આજે 26મી જાન્યુઆરી, ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ વાચકોને શુભેચ્છાઓ.
(દેશભક્તિના ગીતો સાંભળવાનું ચુકશો નહીં.)
સ્વતંત્રતાની સુરક્ષાને માટે મન મૂકીને લડનારા
શૂરા સૈનિકોની સ્મૃતિમાં આપણે બીજું તો શું કરી શકીએ ?
પરંતુ એમને આદરપૂર્વકના અનુરાગની અંજલિ અવશ્ય આપીએ.
હિમાલય પર્વત પરની પ્રતિકૂળ પરિસ્થિતિમાં,
શત્રુની સામે એ હસતાં હસતાં લડ્યા, ઝૂઝ્યા, ને મર્યા કે બલિ બન્યા.
છેલ્લા શ્વાસ સુધી એમણે સ્વતંત્રતાની સુરક્ષા કરી,
અને મરતી વખતે પણ પ્રાણમાં એ જ ભાવના ભરી કે,
માતૃભૂમિને માટે પોતે ફરીફરી જન્મે ને જરૂર પડે ત્યારે મરે.
મરતી વખતે પણ એમણે એ જ ભાવના ભરી.
દુશ્મન-દળની સામે દુર્ઘર્ષ દીવાલની જેમ ઊભા રહ્યા,
અને આતંકકારી આક્રમણખોરોને
પોતાની શૂરવીરતાનો સ્વાદ સારી પેઠે ચખાડી દીધો.
કૃત્યંતની પેઠે કાયરતાને ફગાવી દઈને એ રણસંગ્રામમાં કૂદી પડ્યા,
અને અનેકને મારીને જ પછી મર્યા.
મરતી વખતે એમની આંખમાં આત્મસંતોષ હતો,
અને એમના શ્રીમુખ પર શાંતિ.
કાળજામાં કર્તવ્યપાલનની પ્રતીતિ હતી,
અને અંતરાત્મામાં હતો અવર્ણનીય અને અસાધારણ આહલાદ.
મૃત્યુની મિત્રતા તથા ફિકરની ફાકી કરીને જંગમાં ઝૂઝનારા એ જવાંમર્દો
જીવનનું સાફલ્ય કરતાં ચિરનિદ્રામાં પોઢી ગયા,
પરંતુ ધરિત્રી પણ એમના હેતથી હાલી ઊઠી.
સ્વતંત્રતાને માટે સર્વસમર્પણ કરનારા એ સૈનિકોની સ્મૃતિમાં
આપણે બીજું તો શું કરીએ ?
પરંતુ એમને પગલે ચાલી માતૃભૂમિને માટે મરી ફીટવાની પ્રતિજ્ઞા લઈએ,
સ્વતંત્રતાની સુરક્ષા તથા સમૃદ્ધિને માટે બનતું બધું જ કરી જઈએ, તો પણ ઘણું.
એમની સોનેરી સનાતન સ્મૃતિને હૃદયમાં જડી દઈએ.
– શ્રી યોગેશ્વરજી કૃત ‘અક્ષત’માંથી (સાભાર સ્વર્ગારોહણ)