Press "Enter" to skip to content

Month: October 2009

તમે વાયરાને અડક્યાં ને …


આજે જયંત દેસાઈ કૃત શબદ્ કાવ્યસંગ્રહમાં પ્રસ્તુત એક સુંદર ગીત માણીએ. મીતિક્ષા.કોમને પોતાના કાવ્યસંગ્રહ મોકલવા બદલ જયંતભાઈનો ખૂબ ખૂબ આભાર.

તમે વાયરાને અડક્યાં ને ફુલોની દુનિયામાં મચી ગયો કેવો શોરગુલ
વગડા પર અફવાનાં ધાડાંઓ ઉતરી પડ્યાં, કરો ભૂલ હવે તો કબૂલ.

દરિયો ને શઢ અને આથમણી રુખ અને જળ અને મૃગજળનાં છળ,
ભ્રમણાઓ લોઢ લોઢ ઉછળે ને રેતીના ઢૂવાને હોતાં હશે તળ
યાદોનાં ટેરવાંને બાઝેલા ઝાકળની આરપાર નીકળી ગઈ છે શુલ … તમે વાયરાને

સપનાંઓ ટોવા અમે રાત આખી જાગશું, ત્યારે તમને વળશે ત્યાં કળ,
પછી લાલઘુમ ચટકતું થાશે મોં સુઝણું ને પડ્યા હશે જીવતરમાં સળ,
આંધી ને ડમરી ને ધૂળ હશે, હોય નહીં ક્યાંય ઝાંખી ઘટના પર પૂલ … તમે વાયરાને

– જયંત દેસાઈ

1 Comment

દીકરી તો પારકી થાપણ કહેવાય


ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં જઈને ભાગ્યે જ જોઈ હશે. જે થોડીક જોઈ તે ટીવી પર. પણ કેટલીક ગુજરાતી ફિલ્મના ગીતો હૃદય પર કોરાઈ ગયેલાં છે. આજે એવું જ એક ગીત જે મને ખુબ ગમે છે, સાંભળીએ. પોતાની લાગણીઓને સંયમિત રાખનાર પિતા કન્યાની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. કન્યાની વિદાય એ લાગણીશીલ માતાપિતા માટે વજ્રઘાત સમી ઘટના છે, એનું સંવેદનાસભર ચિત્રણ આ ગીતમાં થયેલ છે. આ ગીત સાંભળી દરેક સ્ત્રીને પોતાના લગ્ન સમયે પિયરમાંથી વિદાય થવાની ઘટના યાદ આવે અને દરેક પુરુષને પોતાની બેન કે પુત્રીને આપેલી વિદાય સાંભરશે.
*
ફિલ્મ: પારકી થાપણ; સંગીત: ગૌરાંગ વ્યાસ; સ્વર: લતા મંગેશકર

*
સ્વર- ઐશ્વર્યા મજમૂદાર

*
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

– અવિનાશ વ્યાસ

11 Comments

વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે


આ પવિત્ર પર્વદિવસોમાં આ સુંદર પ્રાર્થના સાંભળીએ.
*
આલ્બમ : પ્રાર્થનાપોથી-2; પ્રકાશક : સૂરમંદિર

*
વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે … વંદન કરીએ.

પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને … વંદન કરીએ.

ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે … વંદન કરીએ.

પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે … વંદન કરીએ.

4 Comments

એ દુઆ


મિત્રો,
મીતિક્ષા.કોમ પરિવાર તરફથી સૌ વાચકોને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન. આજના પવિત્ર પર્વદિવસ નિમિત્તે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું, જેમાં સૌને માટે અંતરના અંતરતમમાંથી કરાયેલ પ્રાર્થના, શુભેચ્છા અને દુઆનો ભાવ ભરેલો છે. આશા છે એ આપના મન-અંતરને સ્પર્શે.

ઝળહળે પ્રત્યેક દિન તુજ, મઘમઘે એની પળો
થા જિંદગીના બાગને મહેકાવનારો – એ દુઆ

જ્ઞાનનો દીપક પ્રકાશિત થા સ્વયં તું ને પછી
થા અંધકારે કોડિયું પ્રકટાવનારો – એ દુઆ

દર્દ, પીડા, યાતના, પ્રતિકૂળતા, ચિંતા મહીં
થા સ્મિતને ચહેરા ઉપર ફરકાવનારો – એ દુઆ

આ વાસ્તવિકતાની ધરા, સપનાં અહીં સાચા પડે,
થા ભાગ્યને પુરુષાર્થથી પલટાવનારો – એ દુઆ

ચપલા તણો ચમકાર છે તુજ ચાર દિનની જિંદગી,
થા યુગ સુધી ઈતિહાસને અજવાળનારો – એ દુઆ

જ્યાં જ્યાં મળે ચાતક, તૃષાતુર, આર્ત પ્રાણ, ઉદાસ ત્યાં,
થા પરબ, પાણી, પિપાસાને ઠારનારો – એ દુઆ

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

આંખોમાં હોય તેને શું?


મિત્રો, આજે એક મજાનું ગીત. એની પહેલી પંક્તિ જ મને ખુબ પ્રિય છે. દરિયામાં હોય એને મોતી કહેવાય પણ પ્રિયતમ વાટ જોતાં, એને મળવાના ઉન્મેષમાં, એના વિરહમાં, પ્રેમની વિવિધ અભિવ્યક્તિ સમયે આંખમાં આવતા આંસુઓને શું કહેવાય ? સાંભળો આ મજાનું ગીત સાધના સરગમના સ્વરમાં.
*
સ્વર- સાધના સરગમ, આલ્બમ- હસ્તાક્ષર

*
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
… અમે પૂછ્યું: લે બોલ હવે તું.

પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું? … અમે પૂછ્યું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ? … અમે પૂછ્યું.

– રમેશ પારેખ

4 Comments

મીરાં : બિનતી કરું દિન રૈન


NDTV Imagine (એન ડી ટીવી ઈમેજીન) પર છેલ્લા બે મહિનાથી શરૂ થયેલ મીરાં સિરીયલ(સોમ-શુક્ર) ખુબ લોકપ્રિય બની છે. આમેય મીરાં મારા મન અને હૃદયને સ્પર્શે છે, એમ કહો કે એની પૂજા કરે છે, એમાંય વળી એના પરની આ સુંદર સિરીયલ – પછી તો કહેવું જ શું. જે રીતે નાનકડી મીરાંનું પાત્ર નવ વરસની આશિકા ભાટીયાએ ભજવ્યું છે તે કાબિલે તારીફ છે. મીરાંનો કાકાભાઈ જયમલ (પારસ અરોસા) અને મીરાંની બાળસાથી લલિતા (ત્વરા દેસાઈ) પણ પોતાના અભિનયથી આપણું મન જીતી લે છે. મીરાંની ઐતિહાસિક કહાણીમાં ફેરફાર કરી આ સિરીયલ બનાવવામાં આવી છે પણ સાગર આર્ટે જે રીતે એને પ્રસ્તુત કરી છે તે અભિનંદનને પાત્ર છે. મીરાં સિરીયલનું સૌથી મનમોહક ગીત જે વારંવાર ગણગણવાનું મન થાય તેવું છે, આજે રજૂ કરું છું. આશા છે, મારી જેમ તમને સૌને પણ ગમશે.
*

*
મનમોહન કાન્હા બિનતી કરું દિન રૈન,
રાહ તાકે મોરે નૈન,
અબ તો દરસ દીજ્યો કુંજબિહારી,
મનવા હૈ બેચૈન … મનમોહન કાન્હા

નેહ કી ડોરી તુમ સંગ જોડી,
હમસે તો નાહિ જાયેગી તોડી,
હે મુરલીધર, કૃષ્ણ, મુરારિ,
તનિક ન આવૈ ચૈન … મનમોહન કાન્હા

જનમ જનમ સે પંથ નિહારું,
બોલો કિસ બિધ તુમકો બિસારું,
હે નટનાગર, હે ગિરિધારી,
થાહ ના પાવે પૈન … મનમોહન કાન્હા

5 Comments