Press "Enter" to skip to content

Month: January 2009

કરામત કરી છે


અમૃત ઘાયલની એક રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ: આવકાર

*
જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું તેને મઠારું છું,
ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.
*
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને, કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી; ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય, રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે, ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, ગરીબોની દોલત ઉચાપત કરી છે.

– અમૃત ‘ઘાયલ’

3 Comments

દરિયો ભરાય મારી આંખમાં


દરિયાના પાણીની છાલક લાગે ને પછી દરિયો ભરાય મારી આંખમાં,
દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં.

લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને મારી આંખોની જાળ મહીં આવે,
ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને હળવેરા હાથે પસવારે,
ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં.

ઘૂઘવતા સાગરના પાણીનો સંગ અને ઘૂઘવતા સાગરની માયા,
કાંઠાની સોનેરી રેતીનો રંગ અને સોનેરી રેતીની કાયા,
મારામાં ઊછળતો દરિયો વેરાય પછી ઊંબર-ફળી ને આખા ગામમાં.

– અરૂણ દેસાણી

Leave a Comment

ભોમિયો ખોવાયો


જ્યારે પ્રેરણાના પિયૂષપાન પાનાર માર્ગદર્શક કે જીવનની મુશ્કેલ પળોમાં રાહ બતાવનાર પથપ્રદર્શક સ્થૂળ શરીરે વિદાય લે છે ત્યારે જે શૂન્યવકાશ સર્જાય છે એને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. માર્ગ ચીંધનાર એવા ભોમિયાની ગેરહાજરીમાં સર્જાતા ભાવજગતને બખૂબીથી વ્યક્ત કરતું એક હૃદયસ્પર્શી પદ આજે સાંભળીએ બે ભિન્ન સ્વરોમાં.
*
આલ્બમ: અમર સદા અવિનાશ

*

*
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

– અવિનાશ વ્યાસ

2 Comments

મા


માતાની મમતાળુ ગોદ આગળ વિશ્વના બધા વૈભવો તુચ્છ છે. જ્યારે માનો આશીર્વાદ આપતો વરદ હસ્ત કે હસતો ચહેરો માત્ર ફોટામાં મઢાઈ જાય છે ત્યારે જે વિવશતા એના સંતાનો અનુભવે એને વર્ણવવા માટે શબ્દો ટાંચા પડે. ખુબ સરળ શબ્દોમાં મા વિશે એવી કેટલીય અદભૂત લાગણીઓ અભિવ્યક્ત કરતી આ સુંદર ગઝલ આજે માણીએ. રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા તથા ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા – એમાં સંવેદનાઓ શિખર પર હોવાનો અહેસાસ થાય છે.

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

3 Comments

ધરા જરી ધીમી થા


ઉનાળાની તાપથી તપ્ત ધરતી એના સાજન એવા મેહુલાની રાહ જોતી હોય છે. જ્યારે રુમઝુમ કરતા મેઘરાજાનું આગમન થાય ત્યારે એનો આનંદ સમાતો નથી. પણ અત્યારે વરસાદની વાત ક્યાંથી યાદ આવી ? ભારતમાં તો શિયાળો ચાલી રહ્યો છે પણ લોસ એન્જલસની ક્ષિતિજ પર ઘનઘોર વાદળો દેખાઈ રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો અને હજુ પડવાની આગાહી છે. આવી મૌસમમાં અવિનાશભાઈની આ અમર કૃતિ વારંવાર યાદ આવે છે.
*

*
ધરા જરી ધીમી થા! આટલી અધીર કાં?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે, ઓ આવે રે!

ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!

ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રે ઝનન
સનન સનન સન સનન ગોરીનું ગવન છેડીને નાચે રે પવન

હો ઘનઘોર ઘટા લીલી લીલી લતા પર ખીલી રે છટા
દૂર દૂર દાદૂર મયૂર સૂર પૂરત શાતુર ઝંખે મિલન!

ફાલ્યો વડલો ને ફાલ્યો પીપળો, ફાલ્યું ફાલ્યું રે બાજરાનું ખેત;
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

સપ્તરંગનો સૂર સજાવી ગગન ગજાવી સાધન શ્રાવણ આયો રે
ડિમ ડિમ ડિમાક ડિમ ડિમ ડિમાક
ડિમ ડિમ ડિમ ડિમ ઢોલ બજાવી વરસંતો વરતાયો રે

મોતીની સેર મજાની લીલુડા લહેરિયાની લાવ્યો વ્હાલીડો હેત!
શ્રાવણને પગલે થઈ રે રંગીલી રેત!

વર્ષંતી વર્ષાને નીરે ભીંજાતી રે
સ્થિર નહીં અસ્થિર સમીરે
નયના ધીરે સરિતા તીરે એક સખી રે
નયન પરોવે નયન થકી બની ભગ્ન મગ્ન મનનો સાજન …

– અવિનાશ વ્યાસ

2 Comments

સૈનિકોની સ્મૃતિમાં


આજે 26મી જાન્યુઆરી, ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ વાચકોને શુભેચ્છાઓ.
(દેશભક્તિના ગીતો સાંભળવાનું ચુકશો નહીં.)

સ્વતંત્રતાની સુરક્ષાને માટે મન મૂકીને લડનારા
શૂરા સૈનિકોની સ્મૃતિમાં આપણે બીજું તો શું કરી શકીએ ?
પરંતુ એમને આદરપૂર્વકના અનુરાગની અંજલિ અવશ્ય આપીએ.

હિમાલય પર્વત પરની પ્રતિકૂળ પરિસ્થિતિમાં,
શત્રુની સામે એ હસતાં હસતાં લડ્યા, ઝૂઝ્યા, ને મર્યા કે બલિ બન્યા.
છેલ્લા શ્વાસ સુધી એમણે સ્વતંત્રતાની સુરક્ષા કરી,
અને મરતી વખતે પણ પ્રાણમાં એ જ ભાવના ભરી કે,
માતૃભૂમિને માટે પોતે ફરીફરી જન્મે ને જરૂર પડે ત્યારે મરે.
મરતી વખતે પણ એમણે એ જ ભાવના ભરી.

દુશ્મન-દળની સામે દુર્ઘર્ષ દીવાલની જેમ ઊભા રહ્યા,
અને આતંકકારી આક્રમણખોરોને
પોતાની શૂરવીરતાનો સ્વાદ સારી પેઠે ચખાડી દીધો.
કૃત્યંતની પેઠે કાયરતાને ફગાવી દઈને એ રણસંગ્રામમાં કૂદી પડ્યા,
અને અનેકને મારીને જ પછી મર્યા.

મરતી વખતે એમની આંખમાં આત્મસંતોષ હતો,
અને એમના શ્રીમુખ પર શાંતિ.
કાળજામાં કર્તવ્યપાલનની પ્રતીતિ હતી,
અને અંતરાત્મામાં હતો અવર્ણનીય અને અસાધારણ આહલાદ.
મૃત્યુની મિત્રતા તથા ફિકરની ફાકી કરીને જંગમાં ઝૂઝનારા એ જવાંમર્દો
જીવનનું સાફલ્ય કરતાં ચિરનિદ્રામાં પોઢી ગયા,
પરંતુ ધરિત્રી પણ એમના હેતથી હાલી ઊઠી.

સ્વતંત્રતાને માટે સર્વસમર્પણ કરનારા એ સૈનિકોની સ્મૃતિમાં
આપણે બીજું તો શું કરીએ ?
પરંતુ એમને પગલે ચાલી માતૃભૂમિને માટે મરી ફીટવાની પ્રતિજ્ઞા લઈએ,
સ્વતંત્રતાની સુરક્ષા તથા સમૃદ્ધિને માટે બનતું બધું જ કરી જઈએ, તો પણ ઘણું.
એમની સોનેરી સનાતન સ્મૃતિને હૃદયમાં જડી દઈએ.

– શ્રી યોગેશ્વરજી કૃત ‘અક્ષત’માંથી (સાભાર સ્વર્ગારોહણ)

Leave a Comment