Press "Enter" to skip to content

Category: હિતેન આનંદપરા

જિંદગીનો મર્મ


પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

– હિતેન આનંદપરા

2 Comments

આછકલું અડવાની ટેવ


તને ખોટું જો લાગે તો હું શું કરું ? મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું ? મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને કદી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર, મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે, તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

2 Comments

જીરવી નથી શકતા

બે પ્રેમીઓ એકબીજાને ખૂબ ચાહતા હોય છે પરંતુ લગ્ન પછી કોઈ કિસ્સામાં એમનો પ્રેમ અદૃશ્ય થઈ જતો જોવા મળે છે. એવી જ રીતે કોઈ સ્વજન, સ્નેહી કે હિતેચ્છુ અને મિત્રને માટે અપાર લાગણી હોય અને મનભરી તરસતા હોઈએ ..પણ જ્યારે મળવાનું થાય ત્યારે કોઈ બીના એવી બને કે કહેવાનું મન થાય .. ઘણું તરસ્યા હતા જેનું સાનિધ્ય પામવા માટે … અનુભવીઓએ ખોટું નહીં કહ્યું હોય કે સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો, અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.


બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

– હિતેન આનંદપરા

4 Comments

રહેવા દે

બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ, રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.

– હિતેન આનંદપરા

2 Comments

કરતા રહો

[ આજે મારી ડાયરીમાં ઘણાં વખત પહેલા ટપકાવેલી એક ગઝલ રજૂ કરું છું. ‘જે સારું મળે એ ગ્રહણ કરતા રહો’ – એ ઉપનિષદિક ઉપદેશથી પ્રારંભ થતી આ કૃતિ આગળ વધતાં સુંદર રીતે પાંગરે છે અને છેલ્લે એની ટોચ પર પહોંચે છે. કેટલાય સંબંધો એવા હોય છે જે હૃદયની પેટીમાં સલામત રહે છે, કદી હોઠ પર આવતા નથી. એને અભિવ્યક્ત કરવા માટે ‘ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો’ … કેટલું સુંદર રીતે કહેવાયું છે ! ]

બેસી નિરાંતે બે ઘડી પૃથ્થકરણ કરતા રહો,
જે પણ મળે સારું, સતત ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ન પાળો, આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી, જો વિસ્તરણ કરતા રહો.

જેની ઉપર ના હક હતો, ના છે, ના કદી બનવાનો,
મનમાં નિરંતર એ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.

આ પ્રેમ નામના ગ્રંથનો ફેલાવ વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે, તો સંસ્કરણ કરતા રહો.

પીંડને ફરતે ત્વચા ને રક્ત-અસ્થિ-વસ્ત્ર હો,
અહીં તો પહેલેથી રૂઢિ છે, આવરણ કરતા રહો.

એ નામ અગર લખવું મુમકિન નથી, કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

– હીતેન આનંદપરા

3 Comments