Press "Enter" to skip to content

જીરવી નથી શકતા

બે પ્રેમીઓ એકબીજાને ખૂબ ચાહતા હોય છે પરંતુ લગ્ન પછી કોઈ કિસ્સામાં એમનો પ્રેમ અદૃશ્ય થઈ જતો જોવા મળે છે. એવી જ રીતે કોઈ સ્વજન, સ્નેહી કે હિતેચ્છુ અને મિત્રને માટે અપાર લાગણી હોય અને મનભરી તરસતા હોઈએ ..પણ જ્યારે મળવાનું થાય ત્યારે કોઈ બીના એવી બને કે કહેવાનું મન થાય .. ઘણું તરસ્યા હતા જેનું સાનિધ્ય પામવા માટે … અનુભવીઓએ ખોટું નહીં કહ્યું હોય કે સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો, અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.


બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.

અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.

તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.

ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.

તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.

નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

– હિતેન આનંદપરા

4 Comments

  1. Swati
    Swati March 12, 2011

    છેલ્લો શેર આફરીન ! હિતેનજી, તમે મારા પ્રિય ગઝલકારોમાંના એક છો…

  2. Kanchankumari Parmar
    Kanchankumari Parmar August 13, 2009

    શબ્દો આપના હૈયે વીંઝાય છે તો મૌન આપનું હૈયે તોળાય છે …. ઘણી વખત પોતાના બોલે તો પણ જીરવાતું નથી અને સાવ મૌન તો સાવ જ મારી નાખે છે.

  3. Ashwin-Sonal
    Ashwin-Sonal October 2, 2008

    સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો, અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

    બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
    ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.

    નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
    ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.

    તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
    ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.

    અમને પણ તમને બહુ બધુ કહેવાનું મન થાય છે પણ જ્યારે મળવાનું થાય ત્યારે કોઈ બીના એવી બને કે રહી જાય. આટલી સરસ રચનાઓ અમને પીરસો છો .. વાહ ભાઇ વાહ.

  4. Pragnaju
    Pragnaju September 23, 2008

    ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
    ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
    તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
    હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
    ખૂબ સુંદર
    કેટલાય સાધકો છે જે કોઈક અસાધારણ અનુભવ અથવા અનુગ્રહની અપેક્ષા રાખે છે, પરંતુ એક અથવા બીજી રીતે એમને એવા અનુગ્રહ કે અનુભવની પ્રાપ્તિ થઈ જાય તો તેને સહન કરી, જીરવી કે પચાવી નથી શકતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.