Press "Enter" to skip to content

બોલાવે રાધા


કર્તવ્યની રાહે ચાલી નીકળી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા અને રાધાને માટે વિરહની વેદનાના દિવસો ઉગ્યા. જેમતેમ કરી દિવસો કાપતી રાધાને જ્યારે રાસ રમવાનું ટાણું આવ્યું ત્યારે એના હૈયામાં તીર લાગ્યું. અત્યાર સુધી કૃષ્ણની સુખદ સંનિધિમાં માણેલો સમય એની આંખની હવેલીમાં સપનાં બની ઉભો રહ્યો. વિરહમાં બાંવરી બનેલી રાધારાણીની મનોદશાને વ્યક્ત કરતું આ સુંદર પદ … સમર્પિત છે એ દરેક પ્રેમઘેલી રાધાઓને જેના કા’ન આ દિવસોમાં એનાથી સ્થૂળ રીતે દૂર છે.
*

*
બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનું સુનું લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે.. બોલાવે રાધા

પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં
રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા
પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં

પ્રેમ ના ચકોર કરે, મનપંખી શોર કરે,
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે.. બોલાવે રાધા

શ્યામરંગી આંગળીઓ, ભીની ભીની લાગણીઓ,
હવાની ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાંવરી થઇ,
પાદરિયે એક મીટ માંડે,

પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી,
માધવ તું શાને રડાવે મારા વ્હાલા રે…બોલાવે રાધા

2 Comments

  1. Dhara
    Dhara July 25, 2009

    અરે, આ તો મારી મન ગમતી ગઝલ . મને બહુજ ગમે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.