બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ, રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
ખુબ જ સુંદર તેમજ રમુજી !!! ગમી ગઈ
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
બહુ સાચી વાતો છે, પણ આને સમજી અને વિચાર કરનારા કેટલા ? પણ જો એકાદ જણ પણ આવુ વિચારે તો ઘણું છે.