ધુમ્ર વિખરાયો ન તો ધૂણી કરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી
ત્યાં પછી કયારેય ન ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.
ગોખલે નળિયે ફફડતાં ચોંકતાં પંખી સમા,
ઉમ્ર એ માહોલમાં ઉડતી ફરી વરસો સુધી.
સૂર્ય સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી.
કયાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ,
કેટલી પ્યાલી ભરી ખાલી કરી વરસો સુધી.
ફૂલ પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઉગી ખીલી ખરી વરસો સુધી.
મેઘલી સાંજે હવે આજે અચાનક થઇ સજળ,
પથ્થરી આંખે ન ફૂટયું જળ જરી વરસો સુધી.
– કિસન સોસા
“સૂર્ય સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ન જાણ થઇ એની જરા વરસો સુધી…..
“રાધાની છાતી પર ઝુકી ને કો’ક વાર રોયા હશે ઘનશ્યામ..” ના રચયિતા કવિ કિસન સોસાની સુંદર કૃતિ.
– દિનેશ પંડ્યા (મુંબઈ)