ભાભી અને નણંદ વચ્ચે એક વિશિષ્ટ સંબંધ હોય છે. પરણીને સાસરે આવનાર યુવતીના મનની વાતો સમજનાર સાસરામાં કોઈ હોય તો તે સમવયસ્ક નણંદ હોય છે. એમાંય જો તે સ્ત્રીસહજ ઈર્ષ્યા અને ખટપટથી મુક્ત હોય તો એ સંબંધમાં ચાર ચાંદ લાગી જાય. ગામથી પરણીને શહેરમાં આવેલ એવી ભાભીને આધુનિક કરવાનું કામ તે કેટલી સરસ રીતે કરે તે આ ગીત ચીતરે છે. દરેક યુવતીએ સાસરાના શરૂઆતના દિવસોમાં ક્યારેક ને ક્યારેક આવો અનુભવ કર્યો હશે. માણો અવિનાશભાઈની આ સુંદર રચના નિશા ઉપાધ્યાયના સ્વરમાં.
*
*
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો
જુઓ લટકાણી લલનાઓ જાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
કુમકુમનો ચાંદલો આવડો તે હોય મોટો
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
બંગાળી સાડીના લેહરણીયા લેહરાવો
ઊંચી ઊંચી એડીની બૂટજોડી મંગાવો
હવે નવયુગની વાંસલડી વાગી
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી
– અવિનાશ વ્યાસ
નવી ફેશનની ધુન બધે લાગી,ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી,
વરણાગી વીરાની વરણાગી વહુ બનો,
થોડુ બંગાલી નેં અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઈ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી,
આ આખી કળી ગુમ છે. એમ કેમ ?
ફિલ્મનું નામ ‘ગુણસુંદરી’ જ છે. ઉપર ભૂલ થઇ છે.
આ ગીત મૂળ ગીતા દત્ત (રૉય)ના સ્વરમાં ફિલ્મ “ગુણસુંદરીનો ઘરસંસાર (૧૯૪૮)” માટે ગવાયું હતું. ગીતા દત્તના સ્વરમાં અહીં સાંભળો.
http://preetnageet.blogspot.com/2009/07/blog-post_17.html