Press "Enter" to skip to content

Month: October 2008

જય આદ્યા શક્તિ


આજે નવરાત્રિ પર્વનું સમાપન છે. નવ રાત્રિઓમાં મા જગદંબાની આરાધના કર્યા પછી જેમ દરેક દિવસે ગરબાની સમાપ્તિ પર આરતી થાય તેમ આપણે પણ મા જગદંબાની આરતી કરીએ. દેશમાં રહેતા હોય કે વિદેશમાં, પણ દરેક ગુજરાતી ઘરમાં અચૂક ગવાતી આ આરતી સાંભળો.
*
સ્વર – મહેન્દ્ર કપૂર

*
સ્વર – અચલ મહેતા

*
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન,
શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ,
કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો,
ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા,
માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા,
રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
મા મંછાવતી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને આપી, ચરણોની સેવા … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

9 Comments

બોલાવે રાધા


કર્તવ્યની રાહે ચાલી નીકળી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા અને રાધાને માટે વિરહની વેદનાના દિવસો ઉગ્યા. જેમતેમ કરી દિવસો કાપતી રાધાને જ્યારે રાસ રમવાનું ટાણું આવ્યું ત્યારે એના હૈયામાં તીર લાગ્યું. અત્યાર સુધી કૃષ્ણની સુખદ સંનિધિમાં માણેલો સમય એની આંખની હવેલીમાં સપનાં બની ઉભો રહ્યો. વિરહમાં બાંવરી બનેલી રાધારાણીની મનોદશાને વ્યક્ત કરતું આ સુંદર પદ … સમર્પિત છે એ દરેક પ્રેમઘેલી રાધાઓને જેના કા’ન આ દિવસોમાં એનાથી સ્થૂળ રીતે દૂર છે.
*

*
બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનું સુનું લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે.. બોલાવે રાધા

પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં
રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા
પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં

પ્રેમ ના ચકોર કરે, મનપંખી શોર કરે,
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે.. બોલાવે રાધા

શ્યામરંગી આંગળીઓ, ભીની ભીની લાગણીઓ,
હવાની ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાંવરી થઇ,
પાદરિયે એક મીટ માંડે,

પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી,
માધવ તું શાને રડાવે મારા વ્હાલા રે…બોલાવે રાધા

2 Comments

વેણુ વગાડતો


ભગવાન કૃષ્ણની બાળલીલાઓને વર્ણવતા અનેક પદો રચાયા છે. વાંસળીના સૂરથી સૌનું મન મોહી લેનાર, સૌના આકર્ષણનું કેન્દ્ર બનનાર ભગવાન શ્રી કૃષ્ણનું મધુરું વર્ણન કરતું અને વડોદરાના ગરબાની આગવી ઓળખ સમું આ અત્યંત લોકપ્રિય પદ સાંભળો.
*
સ્વર: અચલ મહેતા

*
વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો … વેણુ વગાડતો

માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટની કેડીએ મારગડો રોકતો … વેણુ વગાડતો

સહિયર સૌ કાનને હેતે રમાડ્યા
મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા
મહીડા ચુરાવીને દીલડા ચુરાવતો … વેણુ વગાડતો

7 Comments

મુને એકલી મૂકીને


રુઠેલી રાધાને મનાવવા શ્રીકૃષ્ણ એની સાથે રાસ રમે છે તે અન્ય ગોપીઓને નથી ગમતું. સ્ત્રીસહજ ઈર્ષાથી પીડાતી ગોપી કૃષ્ણને ફરિયાદ કરે છે, જેમ ફાવે તેમ સંભળાવે છે. ત્યાં સુધી કે એને હરાયો ઢોર કહે છે. ગોપીના મનોભાવોને વાચા આપતું આ પદ સાંભળો અચલ મહેતાના સ્વરમાં.
*

*
હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ … હે મુને એકલી.

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ … હે મુને એકલી.

4 Comments

તારા વિના શ્યામ


શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. જ્યારે પોતાનું પ્રિય પાત્ર પાસે ન હોય ત્યારે વિરહ સાલે છે, હૃદય એક અકથ્ય વેદનાનો અનુભવ કરે, એ સ્વાભાવિક છે. રાસ રમવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સ્થૂળ ગેરહાજરીમાં રાધા એકલતાનો અનુભવ કરે છે અને કૃષ્ણને પોતાની સાથે રાસ રમવા બોલાવે છે. વડોદરાના ગરબાની શાન સમાન, વિરહમાં બાંવરી બનેલી રાધાના અંતરના ભાવો પ્રકટ કરતું આ ખૂબ જ લોકપ્રિય પદ માણો અત્યંત લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતના કંઠે.
*

*
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે
તારા વિના શ્યામ …

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.

10 Comments

માડી તારું કંકુ ખર્યું

અવિનાશભાઈની અમર કૃતિ. ગુજરાતી સંગીતની વાત થાય તો તેમાં અવિનાશભાઈનું નામ ટોચ પર આવે. અને એમાંય અવિનાશભાઈના સૌથી સુંદર ગીતોની યાદી બનાવીએ તો બેશક આ ગીત ટોપ ટેનમાં આવે. અત્યંત હૃદયસ્પર્શી ભાવો અને એને એટલી જ કમનીયતાથી દિગ્ગજ ગુજરાતી ગાયક રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈએ કંઠ આપ્યો છે. સાથે સાથે આશા ભોંસલેના સ્વરમાં પણ વારંવાર સાંભળતા ન ધરાવાય એવું આ ગીત મા જગદંબાના પવિત્ર પર્વદિવસોમાં આજે સાંભળીએ.
નોંધ – ગીતના શબ્દો બંને સ્વરમાં થોડા અલગ છે.
સ્વર – રાસબિહારી દેસાઈ

*
સ્વર – આશા ભોંસલે

*

*
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ

માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પૂકારી માની મોરલો ટહુક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો … માડી તારું કંકુ

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો,
કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો …. માડી તારું કંકુ

– અવિનાશ વ્યાસ

15 Comments