જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં.
*
સ્વર- હંસા દવે, આલ્બમ – તારા શહેરમાં
*
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે
દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે
એકાંત, મૌન, શૂન્યતા, અંધારુ કે સ્વયં ?
આ કોના ડરથી જોરથી વાતો કરાય છે?
અસ્પષ્ટતાને જોઈને તું જ પાસ આવ
મારો અવાજ શાહીમાં ખરડાય જાય છે
– જવાહર બક્ષી
6 Comments