Press "Enter" to skip to content

Category: ગીત

ઘેરાતી રાત તને યાદ છે?


ગુજરાતી સાહિત્યને અનેક યાદગાર રચનાઓ આપી થોડાં સમય પહેલાં જ અલવિદા કહી જનાર છ અક્ષરનું નામ રમેશ પારેખ. એમના નામથી ભાગ્યે જ કોઈ સાહિત્યરસિક અજાણ હશે. અનોખા ભાવ-સંવેદનો દ્વારા વાચકને એક અનોખી દુનિયાનો અનુભવ કરાવતી એમની રચનાઓ વારંવાર વાંચવાની મજા પડે તો એને સૂરમાં મઢેલી સાંભળવામાં કેવો આનંદ થાય ? આજે એમની એવી જ એક સુંદર રચના માણીએ.
*
આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: શ્યામલ-સૌમિલ, સ્વર: પાર્થિવ ગોહિલ

*
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…

– રમેશ પારેખ

7 Comments

હું અને તું


મિત્રો, આજે એક મધુરું ગીત જે વારંવાર સાંભળતાય ન ધરાવાય. પ્રેમની સાચી અભિવ્યક્તિ જો કોઈ હોય તો તે છે સ્વનું વિસર્જન અને ઉભયમાંથી એકનું સર્જન. બે હોવા છતાં એક થઈને વહેવું એ જ ખરું સહજીવન. એકમેકના શ્વાસમાં સુગંધ થઈને વ્યાપી રહેવું તે સહજીવન. રંગ અને પીંછી વચ્ચેનો સંવાદ, સૂર અને શબ્દનો સહવાસ એવી વિવિધ કલ્પનાઓથી મઢેલ આ ગીતને આજે માણીએ.
*
ગાયકઃ ભુપિન્દર સિંઘ અને મિતાલી સિંઘ, આલ્બમઃ હસ્તાક્ષર

*
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ

4 Comments

ગોકુળમાં કોણ હતી રાધા?


રાધા અને કૃષ્ણ સનાતન સ્નેહની પ્રતિમા બનીને ઘેરઘેર પૂજાય છે. એમના દિવ્ય અલૌકિક પ્રેમનું વર્ણન કરતાં કવિઓ થાકતા નથી. રાધા માટે તો કૃષ્ણ કેવળ પ્રિયતમનું નામ નહોતું પણ હૈયે ને હોઠે ગૂંજતો નાદ હતું, શ્વાસની આવનજાવન હતી, જીવન સર્વસ્વ હતું. પણ જો કોઈ કા’નને પૂછે કે રાધા કોણ હતી તો કા’ન શું જવાબ દે ? ગીતની અંતિમ કડીમાં એનો સુંદર જવાબ આપ્યો છે કે.. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા. કૃષ્ણને પેખવા હોય, કૃષ્ણ સુધી પહોંચવું હોય તો રાધા બનવું પડે, એના અંતરમાં પ્રવેશ કરવો પડે. માણો ઈસુદાન ગઢવીની આ સુંદર રચના.

દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું જવાબ દઈશ, માધા ?

તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા?
… તો શું જવાબ દઈશ, માધા ?

રાધાના પગલામાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો ?
રાધાના એક એક શ્વાસ તણે ટોડલે તું આષાઢી મોર બની ફૂલ્યો,
ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં, આવાં તે શું પડ્યાં વાંધા ? … દ્વારિકામાં
… તો શું જવાબ દઈશ, માધા ?

ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ,
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ !
હેતપ્રીતમાં ન હોય ખટપટના ખેલ, કાન ! સ્નેહમાં તે હોય આવા સાંધા ?
તો શું જવાબ દઈશ, માધા ?

(માધવનો જવાબ)

ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું આઘા.
સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા…
કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા

– ઈશુદાન ગઢવી

5 Comments

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં


*
આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ).
(નોંધ – સ્વરબદ્ધ થયેલા ગીતના શબ્દો અક્ષરશઃ મૂળ ગીતના શબ્દોને મળતા નથી. વળી એની અમુક કડીઓ જ ગવાઈ છે. અહીં આખું ગીત પ્રસ્તુત કરેલ છે.)
*
આલ્બમ: ઝીણાં મોર બોલે; સ્વર: લાખાભાઈ ગઢવી

*
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે
તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવડાવો જી રે

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’
‘થોડા ખીલવતા વીર અભેસંગ! દાદાજી બોલાવે જી રે’

‘શું રે કો’ છો મારા સમરથ દાદા, શા કાજે બોલાવ્યા જી રે
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જી રે

‘એમાં તે શું મારા સમરથ દાદા, પારકી જણીને પૂછી આવો જી રે’
‘બેટડો ધરાવતા વહુ રે વાઘેલી વહુ, સાસુજી બોલાવે જી રે ’

‘શું રે કો’ છો મારા સમરથ સાસુ, શા કાજે બોલાવ્યા જી રે?’
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’

‘એમાં તે શું મારા સમરથ સાસુ, જે કે’શો તે કરશું જી રે’
‘ભાઈ રે જોશીડાં, વીર રે જોશીડા, સંદેશો લઈ જાજો જી રે’

‘મારી માતાને એટલું જ કહેજો, મોડિયો ને ચુંદડી લાવે જી રે’
‘ઊઠો ને મારા સમરથ જેઠાણી, ઊનાં પાની મેલો જી રે’

‘ઊઠો ને મારા સમરથ દેરાણી. માથા અમારાં ગૂંથો જી રે’
‘ઊઠો રે મારા સમરથ દેરીડો, વેલડિયું શણગારો જી રે’

ઊઠો રે મારા સમરથ નણદી, છેડાછેડી બાંધો જી રે’
ઊઠો રે મારા સમરથ સસરા, જાંગીડા ઢોલ વગડાવો જી રે

‘આવો, આવો મારા માનસંગ દીકરા, છેલ્લા ધાવણ ધાવો જી રે’
પુતર જઈ પારણે પોઢાડયો, નેણલે આંસુડાની ધારું જી રે

પહેલે પગથિયે જઈ પગ દીધો, પાતાળે પાણી ઝબક્યા જી રે,
બીજે પગથિયે જઈ પગ દીધો, કાંડે તે બૂડ પાણી આવ્યા જી રે

ત્રીજે પગથિયે જઈ પગ દીધો, કેડ સમાં નીર આવ્યાં જી રે
ચોથે પગથિયે જઈ પગ દીધો, છાતી સમાં નીર આવ્યાં જી રે

પાંચમે પગથિયે જઈ પગ દીધે, પરવશ પડિયા પ્રાણિયા જી રે
‘એક હોકાંરો દ્યોને અભેસંગ, ગોઝારા પાણી કોણ પીશે જી રે’

‘પીશે તે ચારણ, પીશે તે ભાટો, પીશે અભેસંગ દાદોજી રે’
‘એક હોકારો દ્યો ને વાઘેલી વહુ, ગોઝારો પાણી કોણ પીશે જી રે?’

‘પીશે તે વાણિયા, પીશે તે બ્રાહ્મણ, પીશે તે વાળુભાના લોકો જી રે’
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો, તરિયા અભેસંગના ખોળિયા જી રે.

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં, ઓરડા અણોસરા લાગે જી રે
વા’લા હતાં તેને ખોળે બોસાડ્યાં, દવલાં ને પાતાળ પૂર્યા જી રે.

[ફરમાઈશ કરનાર મિત્ર – અંતિમ પંચાલ]

8 Comments

કન્યાવિદાય પછીનો ખાલીપો


લગ્ન સામાન્ય રીતે આનંદનો પ્રસંગ છે પરંતુ કન્યાવિદાય ભલભલાની આંખો ભીની કરી નાંખે છે. વરસો સુધી જે ઘરમાં મમતાના સંબંધે ગૂંથાયા હોય તે ઘરને પિયુના પ્રેમને ખાતર જતું કરવાની વિવશતા કન્યાના હૃદયને ભીંજવી નાંખે છે. આ કૃતિમાં કન્યાની વિદાય પછી સૂના પડેલ ઘરનું અદભૂત ચિત્રણ થયેલું છે. જેવી રીતે પંખી ઉડી ગયા પછી માળો સૂનો પડી જાય છે તેવી જ રીતે ઘર સૂનું થઈ જાય છે. “કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાના વેણ માંગ્યા” માં અભિવ્યક્તિ શિખર પર હોય એમ લાગે છે. આ ગીત વાંચીને દરેક સ્ત્રીને પોતાની વિદાયનો પ્રસંગ યાદ આવી જશે. માણો આ હૃદયસ્પર્શી કૃતિ.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર, ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન ! … પરદેશી પંખી.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાનાં વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ ચોરી ગયું રે કોક ભાન ! … પરદેશી પંખી.

– માધવ રામાનુજ

4 Comments

જનનીની જોડ સખી નહીં જડે


મા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે, ગ્રંથો લખીએ તો પણ ઓછાં પડે. ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ, પ્રેમની જીવંત મૂર્તિ … આજે અમેરિકામાં મધર્સ ડે છે. વિશ્વભરની માતાઓના પ્રદાનને અને એમના વાત્સલ્યને વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ. લોકો ચર્ચા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવી ભારતીયોએ મધર્સ ડે ન ઉજવવો જોઈએ. પણ ગુરુને પૂજ્ય માનનાર આપણે જો ગુરુપૂર્ણિમા ઉજવી શકતા હોય તો આપણી પ્રથમ ગુરુ એવી મા માટે મધર્સ ડે કેમ નહીં. હા, એ વાત સાચી કે એ દિવસ પૂરતાં જ મા ને યાદ કરીએ, મળવા જઈએ, એને ખુશ રાખીએ એવું નહીં પણ વર્ષભર, પ્રત્યેક પળે ને સમયે એની મમતા, સ્નેહ અને વાત્સલ્યને ગૌરવ ધરીએ. તો સાચા અર્થમાં મધર્સ ડે ઉજવેલો ગણાશે. મારે તો આજે સોને પે સુહાગા છે કારણ મમ્મી-પપ્પા ભારતથી આજે અમેરિકા આવે છે. સૌ માતાઓને તથા હૈયે માતૃત્વ ભાવના ધરાવતા સર્વને હેપી મધર્સ ડે. માણો બોટાદકરની અમર કૃતિ બે અદભૂત સ્વરમાં.
*

*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

*
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

– દામોદર બોટાદકર

11 Comments