રાધા અને કૃષ્ણ સનાતન સ્નેહની પ્રતિમા બનીને ઘેરઘેર પૂજાય છે. એમના દિવ્ય અલૌકિક પ્રેમનું વર્ણન કરતાં કવિઓ થાકતા નથી. રાધા માટે તો કૃષ્ણ કેવળ પ્રિયતમનું નામ નહોતું પણ હૈયે ને હોઠે ગૂંજતો નાદ હતું, શ્વાસની આવનજાવન હતી, જીવન સર્વસ્વ હતું. પણ જો કોઈ કા’નને પૂછે કે રાધા કોણ હતી તો કા’ન શું જવાબ દે ? ગીતની અંતિમ કડીમાં એનો સુંદર જવાબ આપ્યો છે કે.. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા. કૃષ્ણને પેખવા હોય, કૃષ્ણ સુધી પહોંચવું હોય તો રાધા બનવું પડે, એના અંતરમાં પ્રવેશ કરવો પડે. માણો ઈસુદાન ગઢવીની આ સુંદર રચના.
દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણ હતી રાધા?
તો શું જવાબ દઈશ, માધા ?
તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે,
ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે.
રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા?
… તો શું જવાબ દઈશ, માધા ?
રાધાના પગલામાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો ?
રાધાના એક એક શ્વાસ તણે ટોડલે તું આષાઢી મોર બની ફૂલ્યો,
ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં, આવાં તે શું પડ્યાં વાંધા ? … દ્વારિકામાં
… તો શું જવાબ દઈશ, માધા ?
ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ,
ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ !
હેતપ્રીતમાં ન હોય ખટપટના ખેલ, કાન ! સ્નેહમાં તે હોય આવા સાંધા ?
તો શું જવાબ દઈશ, માધા ?
(માધવનો જવાબ)
ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,
રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું આઘા.
સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા…
કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા
– ઈશુદાન ગઢવી
what a creation
it ia realy good
રાધા ક્રિશ્નના પ્રેમને શા માટે કિનારો નથી મળતો ??? ખુબ જ સરસ રચના છે…
ખૂબ જ સરસ…
રાધા અને કૃષ્ણ વિષે ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં ઘણી ગીત રચનાઓ જોવા મળે છે. પરંતુ સંસ્ક્રુત સાહિત્યમાં રાધાનો ઉલ્લેખ જોવા મળતો નથી. મહાકાવ્ય મહાભારત, ભાગવત કે અન્ય ગ્રંથોમાં રાધા અને કૃષ્ણના પ્રણયની કથા વાંચવા મળતી નથી. રાધાએ માત્ર કાલ્પિન્ક પાત્ર છે. ભગવાન કૃષ્ણએ તેમના સમગ્ર જીવનકાળ દરિમયાન રાધા શબ્દ
ઉચ્ચાર્યો જ નથી. તેથી પ્રણયની વાત તો દુરની રહી. મારો ઇરાદો આપના ગીતની નિંદા કરવાનો નથી. રચના સારી છે.
પરંતુ રાધા અને કૃષ્ણ વિષે જે કઇ લખાયું છે તે વાસ્તિવકતાથી જોજન દુર છે.
અનંત કાળથી ગુંજતો રાધાક્રિશ્નનો નાદ આપણે શી રીતે મિટાવી શકીયે? બાકી જલન માતરી સાહેબે કહ્યું છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરુર ?