પ્રતીક્ષા અને મિલન

આપના ન આવવાથી રાત થઇ ગઈ,
આપ જો આવી ગયા તો ખાસ થઇ ગઈ.

સાંજ પડતાં આંગણામાં દીવડા મૂકી દીધાં,
દીપના રૂપે હૃદયના ટુકડાં મૂકી દીધાં,
ઈંતજારીની બધી હદ પાર થઈ ગઈ,
આંખની ભાષા પછી ઉદાસ થઈ ગઈ.

શ્વાસ ને પ્રશ્વાસમાં બસ આપ ઘૂંટાતા રહ્યા,
સંસ્મરણ વીતેલ પળનાં કૈંક ચૂંટાતા રહ્યા,
ફૂલ ચૂમી શબનમો પણ લાશ થઈ ગઈ
રાતરાણીની મહેક પણ ત્રાસ થઈ ગઈ.
…………
…………
આખરે આવી પધાર્યા આપ મારા દ્વાર પર,
સામટા ખીલી ઉઠ્યા સો સો ગુલાબો ડાળ પર,
સાવ સુક્કી ડાળખીઓ બાગ થઈ ગઈ,
લાગણીઓ પળમહીં વરસાદ થઈ ગઈ.

આપણે સરતા રહ્યા કોઈ અગોચર ઢાળ પર
રેશમી રંગો વણાયા સપ્તરંગી સાળ પર
મેઘવર્ષા ખુદ ધરાની પ્યાસ થઈ ગઈ,
જિંદગી ‘ચાતક’ મધુર અહેસાસ થઈ ગઈ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

નોંધ – ગીતનો ઢાળ કંઈક અંશે આ ફિલ્મીગીત પર આધારિત છે.

COMMENTS (12)

પ્રયત્ન સારો છે,પોપ્યુલર કલ્ચર નું ખેડાણ હજું ગુજરાતી ભાષામાં થયું નથી તેથી આપણી પાસે એની કોઈ વિભાવના નથી,મારે પણ ઇ-પોએટ્રીની વિભાવના લખવાની છે,તમે પણ પોપ્યુલર સાહિત્ય વિશે વિચારજો….

આખરે આવી પધાર્યા આપ મારા દ્વાર પર,
સામટા ખીલી ઉઠ્યા સો સો ગુલાબો ડાળ પર,
સાવ સુક્કી ડાળખીઓ બાગ થઈ ગઈ,
લાગણીઓ પળમહીં વરસાદ થઈ ગઈ.

વાહ…ખૂબ સરસ રચના.

Reply

ખુબ સરસ!!! મેં આ ગીતની લીન્ક મિત્રવર્તુળમાં શેર કરી છે. આપને કોઈ વાંધો તો નથી ને?

શ્વાસ ને પ્રશ્વાસમાં બસ આપ ઘૂંટાતા રહ્યા,
સંસ્મરણ વીતેલ પળનાં કૈંક ચૂંટાતા રહ્યા…

સુંદર કલ્પનોભર્યુઁ મધુર ગીત !
અભિનંદન !

તમે પોતે જ પોપ્યુલર છો.ચાતકની તૃષા ખરેખર પ્રશંસાને પાત્ર છે. આભાર !

Reply

સુન્દર ગીત…!! તમે દર્શાવ્યું છે તે ગીત પુરેપુરી રીતે અનુસરાયું નથી લાગતું

શૈલેષભાઈ,
તમને ગીત ગમ્યું એ બદલ આભાર. એને શેર કરવા માટે You are most welcome. તમારી જેમ કોઈને પણ મન થાય એ માટે વેબસાઈટ પર પહેલેથીઆ સૂચનો મુકેલા છે. તે જોઈ જવાથી મનમાં દ્વિધા નહીં રહે.

અશોકભાઈ,
ગીતનો ઢાળ કંઈક અંશે એ ગીત મુજબ છે, સંપૂર્ણપણે નથી. નોંધ મુકવાનો આશય એટલો જ કે આ ફિલ્મગીત તાજેતરનું અને પ્રખ્યાત થયેલું છે એથી ઘણાં વાચકોને એનો ખ્યાલ તો આવે જ. તેથી કોઈ પૂછે એના કરતાં પહેલેથી જ એ વિશે સ્પષ્ટતા કરી હોય તો સરળતા રહે .. અને વાંચતી વખતે મનમાં એ ગણગણવું ગમે. બાકી શબ્દો અને ભાવ – બંને પૂર્ણતયા મૌલિક છે.

વાહ દક્ષેશભાઇ સુંદર ગાઇ શકાય તેવી અને એક જ ઘટનાને જાળવીને વ્યક્ત થતી સુંદર રચના.

Reply

Nice….. Bahu mast.

Reply

બહુ જ સરસ લયબધ્ધ ગીત.

સરસ દક્ષેશભાઇ…બહુ જ સારો પ્રયાસ અને કામિયાબ… મને ગમ્યું જોકે આ નવા ગીતોથી હુ બહુ પરિચીત ન હોવાથી લયમાં બેસાડી શક્યો નથી પણ સરસ ….

શ્વાસ ને પ્રશ્વાસમાં બસ આપ ઘૂંટાતા રહ્યા,
સંસ્મરણ વીતેલ પળનાં કૈંક ચૂંટાતા રહ્યા,
ફૂલ ચૂમી શબનમો પણ લાશ થઈ ગઈ
રાતરાણીની મહેક પણ ત્રાસ થઈ ગઈ.
…………
…………
આખરે આવી પધાર્યા આપ મારા દ્વાર પર,
સામટા ખીલી ઉઠ્યા સો સો ગુલાબો ડાળ પર,
સાવ સુક્કી ડાળખીઓ બાગ થઈ ગઈ,
લાગણીઓ પળમહીં વરસાદ થઈ ગઈ.

સારો પ્રયોગ. ગઝલના ખેડાણ સાથે ફાવે એવો લાગે છે. આભિનંદન દક્ષેશભાઈ.

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.