રાત રડે છે અંધારામાં, ભયનું કૈં મારણ આપો,
સૂરજ જેવા સૂરજને પણ ઊગવાનું કારણ આપો.
કેમ હયાતીની શંકાથી ફફડે છે મંદિર-મસ્જિદ,
અફવાઓથી બચવું હો તો સુનિશ્ચિત તારણ આપો.
આખા જગમાં હરિયાળીની ઈચ્છા ક્યાં કીધી છે મેં,
હોય તમારી મરજી તો ભીની આંખોમાં રણ આપો.
મૃગજળનાં બે-ચાર ઘૂંટડા, મુઠ્ઠી છાંય ખજૂરીની,
જીવન નામે ઊંટને આગળ વધવાનું કારણ આપો.
‘કોઈ રીતે પણ ફુરસદ કાઢી અંતસમે મળવા આવીશ’,
જૂઠી તો જૂઠી, ‘ચાતક’ને બસ, હૈયાધારણ આપો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments