Press "Enter" to skip to content

હવે સપનાં નહીં આવે

અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે,
બીડેલી પાંપણોને નામ ગુલદસ્તા નહીં આવે.

પથિક, તારે જ કેડીઓ નવી કંડારવી પડશે,
તને મંઝિલ સુધી પહોંચાડવા રસ્તા નહીં આવે.

ખડકના મૌન ચ્હેરા પર લખેલો હોય છે સૂરજ,
ચીરી એનાં હૃદયને ભાવનાં ઝરણાં નહીં આવે.

ઘડીભર લાશ થઈને જીવવાનો કારસો તો કર,
તને ડૂબાડવા માટે પછી દરિયા નહીં આવે.

મૂકી પાદર બધાંને એક દિ’ ચાલી નીકળવાનું,
સફરમાં આખરી, ઘર કે ગલી, ફળિયાં નહીં આવે.

સ્મરણને કાખમાં લઈને નીકળશે ફક્ત આંસુઓ,
લઈને સ્મિત હોઠો પર ફરી ચહેરાં નહીં આવે.

ભરોસો તૂટશે ‘ચાતક’ બધાંનો અંતવેળામાં,
કબર સુધી જવાને કામ નિજ પગલાં નહીં આવે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

  1. Pravin Shah
    Pravin Shah March 4, 2016

    કબર સુધી જવાને…..very nice daxeshbhai….enjoyed your gazal…congrats….

    • Daxesh
      Daxesh March 10, 2016

      Thank you Pravinbhai.

  2. Sudhir Patel
    Sudhir Patel August 10, 2013

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  3. Kanchankumari Parmar
    Kanchankumari Parmar August 8, 2013

    સ્વપ્નો મારા બની ઝાકળ બિન્દુ વળગ્યા છે તણખલે.
    કરશો ના કોઇ અડપલુ, ભાંગી જશે, તૂટી જશે, માંડ મળ્યા છે મને.

  4. Kishore Modi
    Kishore Modi August 6, 2013

    પથિક,તારે જ કેડીઓ નવી કંડારવી પડશે,
    તને મંઝિલ સુધી પહોંચાડવા રસ્તા નહીં આવે.
    આ શે’ર બહુ ગમ્યો. નખશિખ સુંદર ગઝલ

  5. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) August 5, 2013

    એક એકથી ચડિયાતા શેરવાળી ગઝલ….વાહ વાહ !!

  6. Gujarati lexicon
    Gujarati lexicon August 5, 2013

    નમસ્કાર!
    આપનો બ્લોગ ”મીતિક્ષા.કોમ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતી લેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com) વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    [ગુજરાતી લેક્સિકોનની લીંક ગુજરાતી સાહિત્ય જગતના પેજ પર વિશેષ ઉલ્લેખ સાથે મૂકેલી જ છે. કદાચ આપના ધ્યાન બહાર ગયું હશે. – admin]

  7. Anil Chavda
    Anil Chavda August 5, 2013

    ખૂબ સરસ ગઝલ થઈ છે દક્ષેશભાઈ… મજા પડી ગઈ… ક્યા બાત હૈ…

  8. વાહ દક્ષેશભાઇ…
    અફલાતુન ગઝલ…કાબિલ-એ-દાદ.. એમાંય,

    ખડકના મૌન ચ્હેરા પર લખેલો હોય છે સૂરજ
    ચીરી એનાં હૃદયને, ભાવનાં ઝરણાં નહીં આવે.

    સ્મરણને કાંખમાં લઈને નીકળશે ફક્ત આંસુઓ
    લઈને સ્મિત હોઠો પર, ફરી ચહેરાં નહીં આવે. – આ બન્ને શેર બહુ જ ગમ્યા.
    અભિનંદન મિત્ર…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.