અડધું અમેરિકા અત્યારે શીતલહરમાં સપડાયેલું છે. કુદરતે ચારે તરફ સફેદ ચાદર બિછાવી દીધી છે. એવે સમયે તન-મનને તરબતર કરી દે તેવું આ હૂંફાળું ગીત. સહજીવનના સોનેરી શમણાંઓની સળીઓને એકઠી કરી મધુર માળો રચવાની કલ્પના જ કેટલી સુંદર છે. સપનાંની રજાઈ ઓઢી માણો મધુર કંઠ અને સંગીતનો સુંદર સ્પર્શ કરાવતું આ યુગલગીત.
*
આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: આરતી અને સૌમિલ મુન્શી
*
હળવે હળવે શીત લહેરમાં ઝુમી રહી છે ડાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના, માળો એક હુંફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
મનગમતી ક્ષણના ચણ ચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ,
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
મઝીયારા માળામાં રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં હોય આપણો ફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
– તુષાર શુક્લ
મઝીયારા માળામાં રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં હોય આપણો ફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.
વાહ્
તેમની જ કવિતાની યાદ આપી
જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ
સાચવી ને રાખ્યુ તુ અશ્રુ એક સાર્યુ હતુ
ડાયરી ના પાનાની એ સફરને કાપીને
લ્યો અમે તો આ ચાલ્યા
ફૂલ ઉપર ઝાકળનુ બે ઘડી ઝળક્વાનુ
યાદ તોયે રહી જાતુ બેઉ ને આ મળવાનુ
અન્તરના અન્તરને એમ સહેજ માપી ને
લ્યો અમે તો આ ચાલ્યા
થીજેલા બરફના ચોસલા જેવો આપણો પ્રેમ ક્યારે ઓગળે તેની રાહ જોતી રહી અને તું પ્રેમની શોધમાં ક્યાંક દુર દુર ચાલી ગયો…….
ખૂબ સરસ