Press "Enter" to skip to content

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા


આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં તાણી જાય છે. વાંચો કુદરતને ખોળે સોનેરી ક્ષણોમાં ખોવાઈ જવાનું આમંત્રણ.
*

*
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

3 Comments

  1. dilip
    dilip January 25, 2009

    ખુબ સુન્દર રચનાનું રસપાન મિતીક્ષા તમે કરાવ્યું..વિવિધ વાંચનથી મનન સઘન થાય છે. ધન્યવાદ

  2. manvant patel
    manvant patel January 25, 2009

    મારુઁ અતિપ્રિય ગીત ! આભાર બહેના !

  3. Dipak Patel
    Dipak Patel July 16, 2014

    બહુ જ સુંદર રચના આભાર બહેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.