Press "Enter" to skip to content

Category: તુષાર શુકલ

હું અને તું


મિત્રો, આજે એક મધુરું ગીત જે વારંવાર સાંભળતાય ન ધરાવાય. પ્રેમની સાચી અભિવ્યક્તિ જો કોઈ હોય તો તે છે સ્વનું વિસર્જન અને ઉભયમાંથી એકનું સર્જન. બે હોવા છતાં એક થઈને વહેવું એ જ ખરું સહજીવન. એકમેકના શ્વાસમાં સુગંધ થઈને વ્યાપી રહેવું તે સહજીવન. રંગ અને પીંછી વચ્ચેનો સંવાદ, સૂર અને શબ્દનો સહવાસ એવી વિવિધ કલ્પનાઓથી મઢેલ આ ગીતને આજે માણીએ.
*
ગાયકઃ ભુપિન્દર સિંઘ અને મિતાલી સિંઘ, આલ્બમઃ હસ્તાક્ષર

*
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ

4 Comments

ઓરડાની માલીપા


ઓરડાની માલીપા બેસીને નીરખું કે ચોમાસું કોની સોગાત છે?
ભીનપની, ટહુકાની, લાગણીના વહેવાની, કે કોરા કુતુહલની વાત છે!

વરસાદી વાદળાએ ઘેર્યું આકાશ, અને વર્ષાની ઝામી તૈયારી
તુફાની વાયરાના ભીના અડપલાએ હું કેમ કરી બંધ કરું બારી
ત્રૂફેલા મોરલાઓ ગહેકી ઉઠે છે, એવી વરસાદી વાતો રળીયાત છે … ઓરડાની માલીપા

મનડું મુંઝાય અને હૈયું હિજરાઇ, લીલા તોરણ સુકાય મારે ટોડલો
પ્રિતમને કહી દો કે સૂના આકાશ મહીં આષાઢી ગીતો ના મોકલે
તરસ્યો આ કંઠ મારો કોરો ધાકોર છો ને લીંપણમાં નદીઓની ભાત છે … ઓરડાની માલીપા

– તુષાર શુકલ

Leave a Comment

એમ પૂછીને થાય નહીં પ્રેમ


આજે વેલેન્ટાઈન ડે – પ્રેમને અભિવ્યક્ત કરવાનો દિવસ છે. તો આજે આનાથી વધુ સારું ગીત બીજું ક્યું હોઈ શકે ? પ્રેમમાં પડ્યા પછીની સૌથી મોટી મૂંઝવણ પ્રેમીની આગળ પ્રેમનો એકરાર કરવાની હોય છે. દરિયાના મોજાં સનાતન કાળથી રેતીને પોતાના પ્રેમમાં નવડાવ્યા કરે છે. એણે કદી રેતીને એમ થોડું પૂછ્યું છે કે હું તને ભીંજવું કે કેમ ? પ્રેમ તો સહજ રીતે થઈ જાય છે. માણો સૌનું મનગમતું એવું આ ગીત શ્યામલ મુન્શીના સ્વરમાં.
*
આલ્બમ: હસ્તાક્ષર

*
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

– તુષાર શુક્લ

11 Comments

સંગાથે સુખ શોધીએ


અડધું અમેરિકા અત્યારે શીતલહરમાં સપડાયેલું છે. કુદરતે ચારે તરફ સફેદ ચાદર બિછાવી દીધી છે. એવે સમયે તન-મનને તરબતર કરી દે તેવું આ હૂંફાળું ગીત. સહજીવનના સોનેરી શમણાંઓની સળીઓને એકઠી કરી મધુર માળો રચવાની કલ્પના જ કેટલી સુંદર છે. સપનાંની રજાઈ ઓઢી માણો મધુર કંઠ અને સંગીતનો સુંદર સ્પર્શ કરાવતું આ યુગલગીત.
*
આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: આરતી અને સૌમિલ મુન્શી

*
હળવે હળવે શીત લહેરમાં ઝુમી રહી છે ડાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયું છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના, માળો એક હુંફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

મનગમતી ક્ષણના ચણ ચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ,
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

મઝીયારા માળામાં રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં હોય આપણો ફાળો;
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.

– તુષાર શુક્લ

3 Comments

એનો અલ્લાબેલી


જેના ભાગ્યમાં જે લખાયેલું હોય છે તેને તે મળે છે, એમ આપણે કહેવાતું આવ્યું છે. જો નસીબમાં પ્રિતમના પ્રેમનો ધોધમાર દરિયો હોય તો એવો પ્રેમ રુમઝુમ પગલે આવીને વરસી પડે છે. પરંતુ જો હથેળીમાં ખાલી ઉની રેતી જ લખેલી હોય તો પછી ધોમધખતું રણ આવી મળે છે. એને પછી ઝંખનાઓને વહેતી રાખવાની બાકી રહે છે. જિંદગીની આ અજબ કશ્મકશને ગીતની આખરી પંક્તિઓમાં કેટલી કમનીયતાથી વર્ણવવામાં આવ્યું છે. અદભૂત રૂપકોથી મઘમઘ થતું આ ગીત આજે સાંભળીએ.
*
આલ્બમ: હસ્તાક્ષર; સ્વર: સૌમિલ મુન્શી

*
તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

– તુષાર શુકલ

2 Comments

ચોમાસું ક્યાંક આસપાસ છે


આજે એક ભીનું ભીનું વરસાદી ગીત … તમને થશે વર્ષાઋતુ તો પૂરી થઈ. હવે કેવું વરસાદી ગીત ? પણ હા, આજે ઘણાં વખતે લોસએન્જલસમાં વરસાદનું આગમન થયું. એટલે થયું બારીની બહાર કાળા વાદળો અને ઝરમર ઝરમર વરસાદને જોતાં આ ગીત સાંભળવાની મજા પડશે. સુંદર ગીત તો ગમે ત્યારે સાંભળીએ મજાનું જ લાગે. ખરુંને ?
*
સંગીત: નયનેશ જાની; સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલ ઉપર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે … મારું ચોમાસું

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે .. મારું ચોમાસું

આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

– તુષાર શુક્લ

6 Comments