મોટા થયા પછી સૌથી વધુ સાંભરતી વસ્તુ બચપણ છે. લખોટી, ભમરડા, ગિલ્લી-દંડા, પત્તાં, ચાકનાં ટુકડાં, દોસ્તદારો સાથે કલાકો રમવાનું અને એવું કંઈ કેટલુંય એ મજાની દુનિયામાં હતું. દુનિયાદારીના બોજથી વિહોણાં એ દિવસો મોટા થવાની લ્હાયમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાછળ છૂટી ગયા. કૈલાસ પંડીતે એનું અદભુત ચિત્રણ કર્યું છે. સ્વચ્છ ભીંતો વિધવા જેવી લાગવી, ચાદર બાળવિહોણી માતા જેવી લાગવી .. માં અભિવ્યક્તિ શિખર પર હોય એમ લાગે છે. માણો કૈલાસ પંડીતની આ સુંદર નજમને મનહર ઉધાસના સ્વરમાં.
ઘરની સઘળી વસ્તુ મરી ગઇ, બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા, બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળાં રમકડાં …
સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો
કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી
ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિધા’તા
સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું.
ક્યાં ખોવાયું બચપણ મારું ? ક્યાંકથી શોધી કાઢો…
મીઠા મીઠા સપનાંઓની દુનિયા પાછી લાવો …
મોટર બંગલા લઇ લો મારા, લઇ લો વૈભવ પાછો …
પેન લખોટી ચાકનાં ટુકડા મુજને પાછાં આપો …
– કૈલાસ પંડીત
તમારી ક્ષમાયાચના સાથે –
https://valdasuja.wordpress.com/2021/08/25/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b5%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%a8-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%82%e0%aa%97%e0%aa%b2%e0%aa%be-%e0%aa%b2/
[…] […]
કૈલાશ પંડિતની ખરેખર ખુબજ સારી એવી આ રચના છે,અને કવિના એકનુ નહિ પણ બધા લોકોના બાળપણને કવિએ અહીં વણી લીધુ છે…
What about જ્યાં જ્યાં નજર મારી beautifully sung by Manhar Udhas?
અતિ સુન્દર ગઝલ… હ્રદયસ્પર્શી.. બચપણની યાદ કરાવી દીધી.
પેન લખોટી ચાકનાં ટુકડા મુજને પાછાં આપો …
કદાચ, બચપણ ના તે દિવસો પાછા આવી જાય
બચપણ આ દિવસો યાદ કરાવવા બદલ, મારા દિલ થી આભાર….
આલિશાન દિવાનખાનામાં શોધું છું હું તણખલુ કે મળી જાય એ ચકલીનો માળો જે શૈશવે નિહાળતી હતી કુતૂહલ ભરી નજરે કેટલીય વાર… વાહ.. બાળપણ યાદ આવી ગયું.
ખરેખર “વો કાગઝકી કશ્તી” યાદ આવી ગઇ
when i listen this i m go down in my childhood days, its very heart touching gazal……..hope those wonderful days come back………
ખરેખર અદભુત રચના પ્રસ્તુત કરેલ છે. કાવ્યના પ્રત્યેક શબ્દને મારા જીવનમાં વાંચતી વખતે અનુભવું છું.
ખુબ સુંદર રચના. હિન્દીમાં “વો કાગજ કી કશ્તી” ને ગુજરાતીમાં આ રચના..જીવનની શરુઆત બાળપણથી ને મારા દિવસની શરુઆત આ ગીતથી થઈ…અભિનંદન.
મેં આ સાંભળીને મારા પંદર વરસ પહેલાના સફરની યાદ તાજી કરીને આનંદ અનુભવ્યો..મારા બાળપણનો સુવર્ણ સમય ક્યારેય પાછો નહીં મેળવી શકું…પણ હું તાજો તો દિલમાં ચોક્કસ કરી શક્યો…તમારા આ બ્લોગના માધ્યમથી હું સાંભળી શક્યો…તે બદલ મારા દિલથી તમને પ્રણામ.
ખૂબ સુંદરગીતની મધુર ગાયકી