મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. પ્રત્યેક વ્યક્તિના હૈયામાં પોતાના પ્રિયતમને મળવાની ઝંખના હોય છે. એ પછી રાધાના હૈયામાં કૃષ્ણને માટે હોય, મીરાંના હૈયામાં શ્યામને માટે કે સીતાના હૈયામાં રામને માટે. અહીં સનાતન મિલનની એવી ઝંખનાને શબ્દોનું રૂપ મળ્યું છે. સાંજનો અર્થ કેવળ સૂર્યનું આથમવું નથી પણ યુવાનીના દિવસોનું વીતી જવું છે. ગીતની શરૂઆતની પંક્તિઓમાં પ્રકૃતિમાં પથરાયેલા ઈશ્વરનું રૂપક વર્ણન છે તો મધ્યમાં સ્વપ્નમાં અલપઝલપ થતાં દર્શનનો અણસાર છે. પણ જેને અનુભૂતિની અવસ્થા કહેવામાં આવે છે તે તો પ્રકટ દર્શન વગર ક્યાંથી મળે ? ચિરકાળના વિચ્છેદ પછી હૈયામાં ઘૂંટાતી મિલનની તીવ્ર તરસ અહીં શાબ્દિક અભિવ્યક્તિ પામી છે.
[audio:/m/mane-malva-to-aav.mp3|titles=Mane Malva to aav]
મને મળવા તો આવ, હવે ઢળવા લાગી છે, આ શરમાતી સોનેરી સાંજ,
તારી સુરતાના સુરમાને આવીને આજ, ઓ વ્હાલમ ! મુજ આંખ્યુંમાં આંજ.
મઘમઘતા મોગરાઓ શ્વાસમાં ભરીને તું મ્હેકાવી દે છે પવન
પગલાંના પગરવથી કળીઓના કાળજામાં ફૂટે છે કેવાં કવન !
હવે પાંપણની પગથી પર પગલાં ભરીને જરા છલકાવી દેને નયન … મને મળવા
દિવસો આ વ્હેતા જો, પાણીની જેમ અને જાય તે પાછા ના આવતા
મનડાંનાં માનસરે મારા આ હંસો શમણાંનો ચારો ના ચારતા,
હવે જાતે જ પ્રકટીને પૂરી કરી દે તું સપનામાં માંડેલી વારતા … મને મળવા
સૂની છે સેજ અને સૂની સિતાર મારી, સૂનાં છે હૈયાના તાર,
તારા જ સ્વર્ગીય સ્પર્શે ઉઘડશે આ ‘ચાતક’ની ઝંખનાના દ્વાર,
હવે શ્વાસોની ફરફરતી દેરીએ આવીને પ્હેરાવ હૈયાનો હાર … મને મળવા
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મઘમઘતા મોગરાઓ શ્વાસમાં ભરીને તું મ્હેકાવી દે છે પવન
પગલાંના પગરવથી કળીઓના કાળજામાં ફૂટે છે કેવાં કવન !
હવે પાંપણની પગથી પર પગલાં ભરીને જરા છલકાવી દેને નયન
– ક્યા બાત હૈ ! વાહ… સુંદર ગીત…
બહુ જ સરસ લય અને ભાવ છે. ગણગણવાની મજા આવી ગઈ.
શ્રી. કૃષ્ણ દવેના આવા લાંબી લયના ગીતો મને બહુ જ ગમે છે.
ખૂબ જ સુંદર ભાવસભર લયાન્વિત ગીત!
અભિનંદન, દક્ષેશભાઈ!
સુધીર પટેલ.
ખૂબ સુંદર ગીત દક્ષેશ,
‘હવે પાંપણની પગથી પર પગલાં ભરીને જરા છલકાવી દેને નયન’
મિલનની આતુરતા કેવી અદ્ભૂત છે…..
‘હવે શ્વાસોની ફરફરતી દેરીએ આવીને પ્હેરાવ હૈયાનો હાર ‘
દુર રહેવાતું નથી, જીવન જીરવાતું નથી. સામિપ્યનો કેટલો તલસાટ છે…
ગાવાનું મન થાય તેવું ગીત છે.
દક્ષેશ,
ખુબ જ સરસ રચના છે. ઈશ્વરને આમંત્રિત કરવાની રીત ઉત્તમ છે.
સપના
સૂની છે સેજ અને સૂની સિતાર મારી, સૂનાં છે હૈયાના તાર,
તારા જ સ્વર્ગીય સ્પર્શે ઉઘડશે આ ‘ચાતક’ની ઝંખનાના દ્વાર,
હવે શ્વાસોની ફરફરતી દેરીએ આવીને પ્હેરાવ હૈયાનો હાર
રિક્તતાનો સરસ્…અહેસાસ
સરસ ગીત!
મને મળવા તો આવ, હવે ઢળવા લાગી છે, આ શરમાતી સોનેરી સાંજ,
તારી સુરતાના સુરમાને આવીને આજ, ઓ વ્હાલમ ! મુજ આંખ્યુંમાં આંજ.
ખૂબ જ સુંદર ગીત !
પંક્તિઓ લાંબી છે છતાં પણ ક્યાંયે લય તૂટતો નથી.
અભિનંદન !
વાહ શું વાત છે મિત્ર દક્ષેશ… ખુબ જ સુંદર રચના થઈ છે… અભિનંદન…!
વાહ્… સરસ ગીત !!
દિવસો આ વ્હેતા જો, પાણીની જેમ અને જાય તે પાછા ના આવતા
મનડાંનાં માનસરે મારા આ હંસો શમણાંનો ચારો ના ચારતા,
હવે જાતે જ પ્રકટીને પૂરી કરી દે તું સપનામાં માંડેલી વારતા … મને મળવા
સુંદર અભિવ્યક્તી… ઘણી સરસ રચના
ખુબ જ સુન્દર ભાવો. આશિર્વાદ. તારી મનોકામના પુરી થાઓ.
-મમ્મી
બહુ મજાનું ગીત. શબ્દોની પસંદગી લય પઠન બધું દાદ માગે એવું છે.
તમારી આ રચના સાંભળીને ભલભલાને પ્રેમની નદીમાં કૂદી પડવાનું મન થશે. પણ ક્યાંક ઉંમરની યાદ તાજી કરીને હું પસ્તાવા નથી માંગતો. હું તમારા અવાજથી તો પરિચિત છું. ગુજરાતી સાહિત્યનું સચોટ માર્ગદર્શન કરાવતાં કરાવતાં તમે ક્યાંક ગુજરાતી સાહિત્યનું ઉગમ બિંદુ થઈ ગયા હો એવું લાગે છે.
ખૂબ જ સુંદર રચના છે.