જિંદગી જીવી જવાની લ્હાયમાં,
આપણે કૂદી રહ્યાં છે ખાઈમાં.
તાજગી ઝાકળની બૂંદોમાં હતી,
આપણે શોધી રહ્યાં’તાં ચાયમાં.
દૂધ પીતાં કાળજે ટાઢક નથી,
કેટલી ડેરી બનાવી ગાયમાં.
રામ-રાવણની જરૂરત ક્યાં હવે,
સંપ ના દેખાય ભાઈ-ભાઈમાં.
બાપની સંવેદના ખૂટી પડી,
ડુસકાં ડૂબી ગયા શરણાઈમાં.
બંધ બારી રાખનારાંને પૂછો,
ફર્ક શું છે ધૂપ ને પરછાંઈમાં.
કોઈ ‘ચાતક’ને જગાડો ખ્વાબથી,
ધૂંધળું દેખાય આંખે ઝાંયમાં.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મજાના મત્લા સહિત આખી ગઝલ સુંદર…!!
ઉત્તમ મત્લા સાથે તાજગીસભર ગઝલ
સાવ સાચી વાત છે કે જીવી જવાની લહાયમાં આપણે બધા સંબંધોને દાવમાં લગાવી દીધા છે……..ખુબ સરસ!!!!!
કોઈ ‘ચાતક’ને જગાડો ખ્વાબથી……
જાગૃત અવસ્થા માંગવાનો આપણો અભિકાર છે.
મત્લા અને મક્તા ખૂબ સરસ થયા છે.
સુંદર સંવેદનોથી સભર આખી ગઝલ માણવાલાયક થઈ છે.
અભિનંદન !
ખુબ જ સુંદર. એકદમ સાચી વાત. ખુબ જ ગમી …
જિંદગી જીવી જવાની લ્હાયમાં,
આપણે કૂદી રહ્યાં છે ખાઈમાં.
આ શેરમાં વ્યાકરણ દોષ જણાય છે. આપણે કૂદી રહ્યા છે ખાઈમાં… ને બદલે આપણે કૂદી રહ્યા’તા ખાઈમાં કરવું પડે. જેથી છંદ અને વ્યાકરણદોષ બંને નભી જાય છે.