Press "Enter" to skip to content

Category: શૂન્ય પાલનપુરી

કાયરો માટે નથી


આજે શૂન્ય પાલનપુરીની એક ઈનામ વિજેતા કૃતિ. ભારત પર પાકિસ્તાને જ્યારે આક્રમણ કરેલું ત્યારે તેમણે રચેલી આ રચના ગુજરાતી ભાષાના જૂજ શૌર્યગીતોમાં ચમકે છે. ભલે આજકાલ યુદ્ધ બહારથી દેખાતું નથી પણ અંદરથી તો એવું જ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર, આતંકવાદ અને સ્વાર્થનું રાજકારણ દેશને ખલાસ કરી રહ્યું છે ત્યારે કોઈ આ વાંચીને પોતાના દર્પણમાં ઝાંખશે ?
[આજથી પંદરેક વરસ પહેલાં પાલનપુરથી ‘શૂન્યનો વૈભવ’ પુસ્તક ખરીદેલું. એમાં શૂન્યના જીવનભરના કવનનું સંકલન છે. એક વાર કોઈને વાંચવા આપતા ખોવાયું તો બીજી વાર ખરીદ્યું અને અમેરિકા પહેલીવાર આવ્યો ત્યારે વજનની મારામારીમાં કોમ્પ્યુટરના પુસ્તકો કાઢીને બેગમાં ભરેલું. ગઝલો સાથે મારો પહેલો ઘરોબો કરાવનાર શૂન્યના વૈભવમાંથી આજની કૃતિ પ્રસ્તુત કરી છે.]

 માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી.

શિર ઉપર આફત ખડી છે, એની મુજને જાણ છે,
મોતની હાકલ પડી છે, એની મુજને જાણ છે,
જાન દેવાની ઘડી છે, એની મુજને જાણ છે.

પૃથ્વીરાજો આ સમે ચોપાટમાં ગુલતાન છે,
ચંદ બારોટોને કેવળ દુર્દશાનું ભાન છે.

દ્રૌપદીનાં વસ્ત્ર પર છે એક દુઃશાસનનો હાથ,
મૂછ ઉપર તાવ દઈને દુર્યોધન પૂરે છે સાથ,
કાંધિયા ગર્વિષ્ઠ થઈને આગથી ભીડે છે બાથ.

હોઠ મરકે છે શકુનિના કે બેડો પાર છે,
ભીષ્મ જેવો હિમગિરિ પણ શું કરે લાચાર છે.

પાંડવો કાયર બનીને દૃશ્ય આ જોતા રહે
માનહીણા થઈને ઘરની આબરુ ખોતા રહે,
દીન વદને ભાગ્ય કેરા રોદણાં રોતા રહે.

હાથ જોડી કૃષ્ણ પર કરવી કૃપા કાજે નજર,
એ તમાચો છે ખરેખર સંસ્કૃતિના ગાલ પર.

ક્યાં ગયા એ ગાંડિવો ને એ ગદાઓ ક્યાં ગઈ ?
કાળજાં કંપાવતી રણગર્જનાઓ ક્યાં ગઈ ?
શંખનાદે થનગને એ વીરતાઓ ક્યાં ગઈ ?

આંખ ના ફૂટે કુદૃષ્ટિ માત પર કરનારની !
ગીધ ના ભરખે ભુજાઓ આબરુ હરનારની !

શૌર્યપ્રેરક ગીત મારે આ સમે ગાવાં પડે,
ધર્મભીરુ કાયરોને જે થકી પાનો ચડે,
જીવતાં મડદાંઓ બેઠાં થઈને મેદાને લડે.

શબ્દથી જાગે તો એવી જાગૃતિ શા કામની ?
ક્રૂર હાંસી થઈ રહી છે મર્દ કેરા નામની.

હું નહીં ગાઈ શકું ઓ સાથીઓ મજબૂર છું,
વેર જ્વાળામાં બળું છું વેદનામાં ચૂર છું,
લૂછવા આંસુ કકળતી માતનાં આતુર છું.

ગીત સુણવા હોય તો સંગ્રામ જીતી આવજો,
મરશિયાં ગાવા શહીદોનાં મને બોલાવજો.

માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી.

– શૂન્ય પાલનપુરી

5 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 3


ઉમર ખૈયામની રુબાઈઓ મને ખુબ જ ગમે છે. આ અગાઉ આપણે એનો આસ્વાદ માણી ચૂક્યા છીએ. આજે માણો વધુ કેટલીક રુબાઈઓ. અર્થથી સભર અને ગહનતમ વાતોને સરળતાથી રજૂ કરતી આ રુબાઈઓ વારંવાર મમળાવવી ગમે એવી છે. આપણું સદભાગ્ય છે કે ગુજરાતી સાહિત્યમાં એનું નવસર્જન કરી શૂન્ય પાલનપુરીએ એને પ્રસ્તુત કરી. આ અગાઉ રજૂ થયેલ રુબાઈઓ વાંચવા અહીં જુઓ. રુબાઈઓ-1, રુબાઈઓ-2.

દિન ગયો વીતી હવે એની નકામી યાદ કાં ?
જે નથી આવી હજી એ કાલની ફરિયાદ કાં ?
આમ ના એળે જવા દે ખાસ ઘડીઓ આજની,
સાર છોડીને અસારે થાય છે બરબાદ કાં ?
*
મૂર્ખ, અંજલની ફિકર શી ? એ ફિકરથી મુક્ત થા,
કષ્ટદાયી હોય એવા જીવતરથી મુક્ત થા;
બેસ કેવળ જ્ઞાનીઓના સંગમાં તું રાત દિન,
પી સુરા, કલ્લોલ કર, ગમની અસરથી મુક્ત થા.
*
મોત એક જ વાર છે, જીવનમાં એક જ વાર મર,
નિત નવી લાચારીઓ વહોરે છે શીદ ઓ બેખબર ?
આ રુધિર, આ માંસ, આ મળમૂત્ર, મુઠ્ઠી હાડકાં !
છે બધુંયે તુચ્છ ! એની હોય કૈં આવી ફિકર ?
*
માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ,
જેને બે ગજથી વધારે હોય ના ધરતીનું કામ;
આ જગતમાં કોઇનો જે દાસ કે સ્વામી ન હો,
એ મહા-નરના જીવન-આદર્શને સો સો સલામ.
*
એક રોટી બે દિને મળતી રહો જો આમરણ,
ઠારવાને પ્યાસ વહેતું હો સદા નિર્મળ ઝરણ;
તો પછી ઓ મૂર્ખ ! શાને જીહજૂરી કોઇની ?
ચાંપવા શાને પડે પામર મનુજોનાં ચરણ ?

– ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

3 Comments

ક્યારે આવશો ?


જ્યારે પ્રિયને મળવા માટે આંખો તરસતી હોય ત્યારે પ્રેમીના દિલના જે હાલ હોય તેને આ ગઝલમાં બખૂબીથી વ્યક્ત કરાયા છે. માણો વિરહની વ્યથાને વ્યક્ત કરતી શૂન્યની સુંદર ગઝલ.

તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો ?
મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો ?

એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે,
એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો ?

જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત્
જાણે નથી જીવનમહીં કસ, ક્યારે આવશો ?

ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ,
ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો ?

બંડખોર થઈ ગયો છે સમય, આપના વિના
પ્રત્યેક પળ બની છે વરસ, ક્યારે આવશો ?

એકલતા શૂન્યને ખૂબ સાલે છે આપ વિણ,
કાપે છે રોઈ રોઈ દિવસ, ક્યારે આવશો ?

– શૂન્ય પાલનપૂરી

4 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 2

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓને શૂન્ય પાલનપુરીએ ગુજરાતીમાં એમની આગવી રીતે ભાવાનુવાદિત કરી છે. આજે માણો ઈશ્વર કે ચૈતન્ય શક્તિ સાથે સંવાદ કરતી, વારંવાર મમળાવવી ગમે એવી રુબાઈઓ. આ અગાઉ મૂકેલી રુબાઈઓ અહીં જૂઓ.

તારું મન ચાહે તો જઇ નેપથ્યમાં સંતાય તું,
રંગમાં આવે તો જગના મંચ પર દેખાય તું;
તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી,
દૃશ્ય તું ! અદૃશ્ય તું ! દ્રષ્ટિ ય તું ! દ્રષ્ટા ય તું !
*
કોણ છે નિષ્પાપ જગમાં ? જોઉં ! જા લઇ આવ તું !
પાપ વિણ જીવાય શી રીતે, મને સમજાવ તું !
હું બૂરા કામો કરું, આપે સજા તું પણ બૂરી,
તો પછી મુજમાં ને તુજમાં ફેર શો ? બતલાવ તું !
*
લેખ વિધિએ લખ્યા મારા મને પૂછ્યા વગર,
કર્મની લીલા રચી, રાખી મને ખુદ બેખબર;
આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં ?
હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર ?
*
ક્યાં છે મુજ પાપીને માટે તુજ રહમ કેરી નજર ?
દિલનાં અંધારા ટળે શું પ્રેમની જ્યોતિ વગર ?
તું જો આપે સ્વર્ગ કેવળ ભક્તિના બદલા મહીં,
એ તો વેતન છે, નથી બક્ષિસ ! મુજને માફ કર.
*
મોત હો કે જિંદગાની, બેઉ છે તારા ગુલામ,
ભાગ્યનાં હર દોર પર છે તારી મરજીની લગામ;
હું અગર દુર્જન છું એમાં વાંક મારો કૈં નથી,
તું જ સર્જક છે બધાનો, એ હશે તારું જ કામ !

– ઉમર ખૈયામ (શૂન્ય પાલનપુરી)

3 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 1

આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓ એટલા ચિંતન અને તત્વજ્ઞાનથી ભરેલી હતી કે પરમહંસ યોગાનંદ જેવા મહાપુરુષે એના આધ્યાત્મિક અર્થને ઉપસાવતું પુસ્તક પણ લખ્યું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ અહીં સમયાંતરે નિયમિત રૂપે પ્રસ્તુત કરતાં રહીશું.


જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ;
ખૂબ પી, ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ, પણ ભાનની સાથે પીઓ.
*
બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો, મેળવી પીતો રહે,
દિલના અંધારા ઉલેચી, રોશની પીતો રહે.
*
બાવરા થઇને કદી દરદર ન ભમવું જોઇએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઇએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતાં જાય પાસાં એમ રમવું જોઇએ.
*
ઉર લતા છે ઉર્વશી જેવી, કમલ જેવાં નયન,
મ્હેંકતી ઝુલ્ફો, ગુલાબી ગાલ, મુખ જાણે સુમન;
અંત જેનો ખાક છે એવા જીવનમાં ઓ ખુદા !
આ બધો શણગાર શાને ? આટલું શાને જતન ?
*
જે કલા સર્જનમાં રેડે પ્રાણ સર્જકની કમાલ,
એ શું એનો નાશ કરવાનો કદી કરશે ખયાલ ?
તો પ્રભુ ! આવી રૂપાળી વ્યક્તિઓ સંસારમાં,
કેમ સર્જીને કરે છે એ જ હાથે પાયમાલ ?

ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)

નોંધ ઉમર ખૈયામની રુબાઈઓ વિશે વધુ જાણવા અહીં જુઓ.

3 Comments

મૃત્યુ

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ]

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
– રમેશ પારેખ

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે.
-કૈલાશ પંડીત

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

રડ્યા ‘બેફામ’ મારા મરણ પર સૌ એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી !
– બેફામ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે…
– મરીઝ

મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી,
બીકથી વહેવાર ચુકી જાઉં એવો હું નથી,
જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,
એનો પાછો સોંપતા ખચકાઉં એવો હું નથી.
– શૂન્ય પાલનપુરી

જન્મની સાથે જ મૃત્યુનો ચુકાદો હોય છે
કાળની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે
– ચંદ્રેશ શાહ

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઈ હર એક રસ્તા નીકળે
– રમેશ પારેખ

મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા
– હેમેન શાહ

જવાનું ચોક્કસ આ જગથી,
જન્મ મરણની મહા નિસરણી
આ તો લઘુ પગથી …
– યોગેશ્વરજી

તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે ?
રહે છે કેદ એની એ ફક્ત દિવાલ જ બદલે છે.
– અમૃત ઘાયલ

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય

જીવતાં જાણ્યું નહીં ને આજ મરવાના પછી,
ના કરો ફુલો થકી, મારા કફનની છેડતી.
– ડો. સુચેતા ભડલાવાલા 

રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે,
શબને પુષ્પ તમે ધરો પણ મોત સુંદર કદી નહીં લાગે.

[ હજી ઘણું ઘણું યાદ આવે છે પણ અત્યારે આટલું જ … કારણ, તમને કંઈ યાદ આવે તો ઉમેરી શકો ને ? ]

3 Comments