Press "Enter" to skip to content

શાંત ઝરુખે

આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો.
આજે સૈફ પાલનપુરીની એક નઝમ જે સીમાચિન્હ સમી બની, સૌના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે, સાંભળો મનહર ઉધાસના સૂરીલા કંઠે. ઝરુખામાં જોયેલી એક સ્વપ્નસુંદરીના શૃંગારરસથી ભરેલ કમનીય વર્ણનથી પ્રારંભ પામતી નઝમ અંતે ખાલી ઝરુખાને જોઈ કરુણરસથી છલકાઈ જાય છે. જીવનના સોનેરી દિવસો ઝરુખા પરની સ્વપ્નસુંદરીનું રૂપક ઓઢીને તો અહીં વ્યક્ત નથી થયાં ને ?
*

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …

એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું

એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી

એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો

એ મોજાં જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી

એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..

ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી

બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન

મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું

તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….
બહુ સુનું સુનું લાગે છે ….

– સૈફ પાલનપુરી

7 Comments

  1. Bharti Janak Shukla
    Bharti Janak Shukla September 26, 2011

    Excellent, very interesting.

  2. Ravindra Trivedi
    Ravindra Trivedi August 24, 2011

    ખુબજ સુન્દર રજૂઆત. આવી સાઈટ પ્રથમવાર જોઇ. ખુબ ખુબ અભિનંદન.

  3. Ami - Kiran
    Ami - Kiran August 12, 2011

    વારંવાર સાંભળવી ગમે તેવી સુંદર ગઝલો છે.

  4. Dr. Sharadchandra Patel
    Dr. Sharadchandra Patel December 26, 2009

    મારી ગમતી રચના અને ગાયકી! ૨૦૦૯ ની પસન્દગી!!!!!!

  5. Pragnaju
    Pragnaju September 12, 2008

    સૈફની સદા બહાર રચના.
    મનહરની મધુર ગાયકી અને મઝાની વીડીઓ

  6. Pragnaju
    Pragnaju September 11, 2008

    ચલો ગુજરાતમાં જેનો સ્વર હજુ ગુંજે છે તે મનહરના કંઠે ગવાયેલ અને સૈફની કૃતિનું વિડીયોદર્શન અને સાંભળવાની મઝા આવી. આ ફ રી ન.

  7. Priti
    Priti September 11, 2008

    મનહર ઉધાસના સુંદરકંઠે ગવાયેલ અને સૈફપાલનપુરીની આ કૃતિનું વિડીયો-દર્શન કરવાની અને સાંભળવાની ખૂબ મઝા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.