જળપ્રપાત થઈ શકે
September 20th, 2011પ્રેમભીની પાંપણો પોલાદ થઈ શકે,
એક પલકારા થકી પરભાત થઈ શકે.
સખ્ત તારાજી કરે ધસમસ પ્રવાહો પણ,
એક આંસુ ક્યાંક જળપ્રપાત થઈ શકે.
એમને જોવા અગર અપરાધ હોય તો,
એમનાં સપનાં કઠોરાઘાત થઈ શકે.
હો હવા ને હોઠ ને શ્વાસોની અકળામણ,
તો ઉચ્છવાસોમાં ઘણીયે વાત થઈ શકે.
પ્રેમ તો એવી બલા છે, રાજવીઓ શું,
ભલભલાયે મહારથીઓ માત થઈ શકે.
પ્રેમ એ કોઈ ગણિતનો દાખલો નથી,
કે કોઈ ઘટના ભૂંસવાથી બાદ થઈ શકે.
પ્રેમ તો પારસમણિનો સ્પર્શ છે ‘ચાતક’,
આયખું એના થકી આબાદ થઈ શકે.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
