[Painting by Donald Zolan]
*
દુશ્મનો વચ્ચે જૂની યારી નીકળવી જોઈએ,
ભીંતની બુનિયાદમાં બારી નીકળવી જોઈએ.
ચાંદ આવીને અગાસી પર ઊભો છે આજ તો,
દોસ્ત, આજે રાત પણ સારી નીકળવી જોઈએ.
લોક દરિયાનો જ કાયમ વાંક કાઢે છે અહીં,
ચાખતાં કોઈ નદી ખારી નીકળવી જોઈએ.
માનું છું, એનું હૃદય કોઈ શિલાથી કમ નથી,
કોઈ દિવસ એમાંથી નારી નીકળવી જોઈએ.
એમની સાથે ઊભા રહેવાની મનમાં પ્યાસ છે,
પાણીપુરીની અહીં લારી નીકળવી જોઈએ.
પ્રેમનો મતલબ અહં ઓગાળવાની પ્રક્રિયા,
ચીસ હો કે કીસ – સહિયારી નીકળવી જોઈએ.
આ ગઝલ ‘ચાતક’ દવાથી કોઈ રીતે કમ નથી,
તો અસર એનીય ગુણકારી નીકળવી જોઈએ.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ… મજાના કાફિયાનો અનોખો વિનિયોગ….. !! ઉમદા ગઝલ… !!
Thank you Ashokbhai
“પ્રેમનો મતલબ અહં ઓગાળવાની પ્રક્રિયા,
ચીસ હો કે કીસ – સહિયારી નીકળવી જોઈએ.”
અપ્રતિમ, અનુપમ, અજોડ….!