Press "Enter" to skip to content

તને હું કેમ સમજાવું?


[મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને ટહુકો ના સંયુક્ત ઉપક્રમે તા. ૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ યોજાયેલ કવિ સંમેલન ‘પરદેશી પારેવા’ અંતર્ગત મારું ગઝલ પઠન.]
*  *  *
અજબ છે મૌનની ભાષા, તને હું કેમ સમજાવું !
પડે છે શબ્દ ત્યાં ટાંચા તને હું કેમ સમજાવું !

તું પૃથ્વી ગોળ માનીને નીકળતી ના કદી ઘરથી,
જીવનમાં હોય છે ખાંચા તને હું કેમ સમજાવું !

ગણતરી એ હતી કે જિંદગીમાં ક્યાંક પહોંચાશે,
પડ્યા એમાં અમે કાચા, તને હું કેમ સમજાવું !

અતિથિ દેવ માનીને કર્યું સ્વાગત મુસીબતનું,
મળ્યા એમાંય દુર્વાસા, તને હું કેમ સમજાવું !

સીવેલા હોઠની પીડા હૃદયનું રૂપ ધારે છે,
ફુટે છે આંખને વાચા, તને હું કેમ સમજાવું !

મેં ઈશ્વરને કહ્યું થોડા દિવસ માણસ બનીને જો,
જશે ઉતરી બધાં ફાંકા, તને હું કેમ સમજાવું !

ગયા છે છેતરી ‘ચાતક’ હલેસાં, હાથ ને હોડી,
કિનારાઓ હતા સાચા, તને હું કેમ સમજાવું !

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments

  1. Hitesh Rathod
    Hitesh Rathod July 25, 2022

    “મેં ઈશ્વરને કહ્યું થોડા દિવસ માણસ બનીને જો,
    જશે ઉતરી બધાં ફાંકા, તને હું કેમ સમજાવું !”

    અપ્રતિમ શબ્દગૂંથણી!

    • admin
      admin July 29, 2022

      Thank you for your appreciation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.