Press "Enter" to skip to content

સાદ આવે છે


*
સમય પ્હેલાં, સમય પર, નહીં; સમયની બાદ આવે છે,
તમે પગલાં જુઓ ત્યારે ચરણની યાદ આવે છે.

બધું હો કે કશું ના હો તો શબ્દો મૌન પામે છે,
સ્થિતિ અધવચની હો તો હોઠ પર ફરિયાદ આવે છે.

વિરહમાં કે મિલનમાં આંખમાં છલકાય છે પાણી,
પ્રબળ જો ઝંખના હો તો તરસનો સ્વાદ આવે છે.

ખુશીમાં દોસ્ત, પાગલ થઈ બધાં નાચી શકે, કિન્તુ
બિચારી ઝાંઝરીના ભાગમાં મરજાદ આવે છે.

જીવન સુંદર રદીફ ને કાફિયા સાથે લખું છું, પણ
બધી સારી ગઝલના ભાગ્યમાં ક્યાં દાદ આવે છે.

પ્રભુ પૂછતાં હતાં, હું કોઈ દિવસ યાદ આવું છું,
કહ્યું મેં, હેડકી પણ વર્ષમાં એકાદ આવે છે.

પલાંઠી વાળ તો ‘ચાતક’ તને એની ખબર પડશે,
રહે છે કોઈ ભીતરમાં, ભીતરથી સાદ આવે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – A Painting by Donald Zolan]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.