[Painting by Donald Zolan]
*
જેને સપનામાં પણ બોરાં ભાવે નહીં,
એવા લોકોને શબરી બોલાવે નહીં.
હોય કબૂતર એવા પણ આ દુનિયામાં,
ચિઠ્ઠી લઈને જાય ખરાં, વંચાવે નહીં.
દ્વાર, દીવાલો, ટીવી, માણસ, કુંડાઓ,
દોસ્ત, ફુલોને શું કંટાળો આવે નહીં?
આંખ બિચારી પાંપણ પર તોરણ બાંધે,
આંસુને ઘરમાં રહેવું સમજાવે નહીં.
વાદળ સાથે સંતાકૂકડી રમતો રહે,
દાદો છે સૂરજ, એથી હંફાવે નહીં.
બોલો, ‘મા’ને બદલામાં હું શું આપું?
ખોવાઈ મારામાં, પણ શોધાવે નહીં.
મોડા આવ્યા છોને, તો આવી બનશે,
‘ચાતક’ મારું નામ ખરું, સ્વભાવે નહીં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
કમાલ દક્ષેશભાઇ..
અભિનંદન
આભાર દેવેશભાઈ