દિલની દવા લઈને

મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ. શ્વાસ બંધ થાય એટલે માણસ મૃત્યુ પામે. કવિઓએ એ ઘટનાને વિવિધ રીતે મૂલવી છે. બેફામે એ ઘટનાને એમની અનોખી રીતે મૂલવી. શ્વાસ બંધ થયો કારણ કે પૃથ્વીની હવા લઈને જન્નતમાં નહોતું જવું. જરા ગૂઢ રીતે વિચારીએ તો શરીર શું છે ? પંચમહાભૂતનું બનેલ માળખું. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા જ ઉડી જાય અને શરીર પડ્યું રહે. હવે પંચમહાભૂતમાં પૃથ્વી, જળ, અગ્નિ, ચિત્ત અને સાથે વાયુ તત્વ પણ આવે. નશ્વર એવા વાયુ તત્વ – શ્વાસને તો મૂકી જ જવું પડે.  એ કેવી રીતે સાથે લઈ જવાય ? ખરુંને.

તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને.

ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે-
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.

તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.

સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારા ઘરનાં નેજવાં લઈને.

બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.

કરું છું વ્યકત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.

સુખીજનની પડે દૃષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુ:ખો પણ આગવાં લઈને.

ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ‘
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.

– બરકત વીરાણી ‘બેફામ‘

COMMENTS (6)
Reply

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.

ખુબ સુંદર ગઝલ રજુ કરવા બદલ મીતિક્ષાને અભિન્ંદન
બેદાર લાજ્પુરી, લેસ્ટર

સુંદર ગઝલ !
અને એવી જ સુંદર પસંદગી માટે મીતિક્ષાને અભિનંદન !

Reply

કવિએ અણોરણીયાન મહતો મહીયાન સૂત્ર વાંચેલું કે ?
કાવ્ય સરસ છે.

Reply

મનુષ્યની મૃગજળ ને પામવા ની મનોવ્યથા ને કવિએ ખૂબ સુંદર શબ્દોમાં રજુ કરેલ છે. ખુબ જ સરસ..

આ ગઝલ ઘણા સમય પછી નજરમાં આવી.આભાર મીતિક્ષાનો.
સપના

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.