પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા. તો અંતિમ પંક્તિમાં મૃત્યુ પછીનું દેખાવા માટે કરાતું રુદન કવિને કઠે છે. કારણ જે વ્યક્તિઓ જીવનમાં દુઃખનું કારણ બની હોય છે તે મૃત્યુ પછી મગરના આંસુ સારતી દેખાય છે. માણો ‘બેફામ’ની આ સુંદર રચના મનહર ઉધાસને કંઠે.
*
આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો
*
ઓ હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મિત્રો, આજે બેફામની એક સુંદર ગઝલ. શ્વાસ બંધ થાય એટલે માણસ મૃત્યુ પામે. કવિઓએ એ ઘટનાને વિવિધ રીતે મૂલવી છે. બેફામે એ ઘટનાને એમની અનોખી રીતે મૂલવી. શ્વાસ બંધ થયો કારણ કે પૃથ્વીની હવા લઈને જન્નતમાં નહોતું જવું. જરા ગૂઢ રીતે વિચારીએ તો શરીર શું છે ? પંચમહાભૂતનું બનેલ માળખું. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા જ ઉડી જાય અને શરીર પડ્યું રહે. હવે પંચમહાભૂતમાં પૃથ્વી, જળ, અગ્નિ, ચિત્ત અને સાથે વાયુ તત્વ પણ આવે. નશ્વર એવા વાયુ તત્વ – શ્વાસને તો મૂકી જ જવું પડે. એ કેવી રીતે સાથે લઈ જવાય ? ખરુંને.
તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને.
ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે-
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.
તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.
સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારા ઘરનાં નેજવાં લઈને.
બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.
કરું છું વ્યકત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.
હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.
સુખીજનની પડે દૃષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુ:ખો પણ આગવાં લઈને.
ફકત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ‘
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.
આ ગઝલનો મક્તાનો શેર દરેક ગઝલપ્રેમીએ સાંભળ્યો હશે. આ જિંદગીની દડમજલમાં દોડીદોડીને આખરે ક્યાં જવાનું છે .. ઘરથી કબર સુધી જ. જો આ સત્ય સમજાઈ જાય તો થઈ ગયું. બેફામની આ સુંદર રચના આજે માણીએ.
સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હૃદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
આજે એક જૂનું પરંતુ યાદગાર ગીત જેને મુકેશનો સ્વર સાંપડ્યો હતો. ફિલ્મ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) માટે ગવાયેલ આ ગીતનું સંગીત જાણીતા સંગીતકાર કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું.
*