(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ)
સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ ….
હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે,
કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે.
જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.
સકળ વિઘ્નો વટાવીને થયાં સંસિદ્ધિથી ભૂષિત,
બતાવી ધ્યેય પર પ્રીતિ તમે, એ યાદ આવે છે.
મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.
નયન ‘ચાતક’ બની ઝંખી રહ્યા છે આપનાં દર્શન,
લૂછો છો આંખ સહુ રોતી તમે, એ યાદ આવે છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
પરમ ગુરુના પરમ શિષ્યની ભાવાંજલીમાં ભીંજાવવાનો અનેરો આનંદ આવ્યો. પ્રભુ આપને અધ્યાત્મની અને સાહિત્યની સેવા માટે ભાવ અને શક્તિ પ્રદાન કરે એજ અભ્યર્થના.
મારા અનેકાનેક પ્રણામ !
દક્ષેશ ભાઈ
ખરેખર સરસ લખ્યુ છે.
પ્રણામ.
એક અવલોકનઃ અવતારી પુરુષોના જન્મ-મૃત્યુ જુલાઈ-ઓગસ્ટ અને ફેબ્રુઆરી-માર્ચ હોય છે.
મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.
સાચા સન્તોના વરદ હસ્ત અને વચનાશિષ મેળવીને સૌ ધન્ય થઈ ગયા!!
ખુબ ભાગ્ય પછી માનવજીવનમાં મહાપુરુષનું સાંનિધ્ય મળતું હોય છે. અને જેમને મળ્યા તેમનું જીવન હંમેશ બદલતુ હોય છે ઉન્નત થતુ હોય છે જુદુ જ હોય છે. યોગેશ્વરજી જેવા કદી હતા ન થઈ શકે, જ્યોતિ બની ઝળહળતાં જ રહે છે, પ્રેરણા દેતા જ રહે છે શાશ્વત. મહાપુરુષ તે ચરણારવિન્દ.
જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.
એ યાદ આવે છે – પ્રભુ માટે કવિતા લખી છે તે ખુબ સરસ લાગી. હવે જ્યારે નવી કવિતા લખો ત્યારે જરૂરથી જણાવજો. તમારી રચેલ આ વેબસાઈટ હવે નિયમિત જોઈશું.
– અજય, નેહા અને મિહિર