Press "Enter" to skip to content

માધવ રેલાતો જાય છે


સૌ વાચકમિત્રોને Happy 2009 ! આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. યમુનાને કાંઠે અગણિત વરસો પહેલાં વહેતાં થયેલા ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીના સૂર આપણને આજે પણ મોહિત કરી રહ્યાં છે. તો ચાલો, એક ક્ષણ માટે આપણે પણ એ સૂરમાં રેલાતાં માધવનું આચમન કરીએ અને એ ભાવજગતમાં ડૂબકી મારીએ.

યમુનાને કાંઠે વાંસળીના સૂરમાં માધવ રેલાતો જાય છે,
ઝેરની કટોરીમાં મતવાલી મીરાંને કેવો ડૂબાડતો જાય છે! … માધવ રેલાતો જાય છે

આંબાની ડાળ પર મંજરીઓ મ્હોરતાં કોયલ કૂહૂ કૂહૂ ગાય છે,
કાળા ડિબાંગ મેઘ આકાશે ભાળીને મોર ટહૂકાતો જાય છે,
રાધાના થનગનતાં હૈયા ને ઉન્માદી આંખોમાં શું શું વંચાય છે …. માધવ રેલાતો જાય છે

ધરતીને ચૂમીને આકાશે વેર્યું જે ઝરમરતું જળ, છલકાય છે,
પૂનમનો ચાંદ જોઈ સાગરના હૈયામાં કેવું તોફાન મચી જાય છે,
કા’નાની આંખોમાં આંખો પરોવીને રાધા તોયે શરમાય છે … માધવ રેલાતો જાય છે

ફૂલની સુગંધથી ભમતા આ ભમરાઓ કેવા ઉન્મત્ત બની જાય છે
ગિરધર ગોપાલના ચરણોમાં બેસીને મેવાડી મીરાં એમ ગાય છે
ધૂંધરુના રણકારે રણકારે રાણાની સઘળી મહેલાતો જાય છે ……. માધવ રેલાતો જાય છે

‘ચાતક’ની આંખોમાં સ્વાતિના બુંદોની કેવી તરસ દેખાય છે
વિરહી ગોપીઓ ને કા’નાના હૈયામાં એવું પરસ્પર થાય છે
આંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે …. માધવ રેલાતો જાય છે

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

  1. dilip
    dilip January 4, 2009

    ખુબ સુન્દર ગીત સરજાયું છે. માધવ રેલાતો જાય છે આંસુના દરિયામાં..ખુબ સરસ વાત.અભિનન્દન

  2. manvant patel
    manvant patel January 3, 2009

    નૂતન વર્ષની શુભકામનાઓ ! બહેના !
    બીજા ગુજરાતી ઘણા બ્લોગ્સ છે તે જોતા રહેશો ને ?

  3. pragnaju
    pragnaju January 1, 2009

    ‘ચાતક’ની આંખોમાં સ્વાતિના બુંદોની કેવી તરસ દેખાય છે
    વિરહી ગોપીઓ ને કા’નાના હૈયામાં એવું પરસ્પર થાય છે
    આંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે ….
    માધવ રેલાતો જાય છે
    ખૂબ સરસ
    ગોપીઓમાં પણ શ્રેષ્ઠ આહ્લાદિની શક્તિ રાધા તે જ માધવના પ્રેમનો અણસાર પામો તેવી નવા વર્ષની પ્રાર્થના સહ
    * ૨૦૦૯નું મંગળ પ્રભાત પરમ સત્તાની કૃપા-વરદાન સતત વરસે–એવી મંગળકામના.
    o *http://niravrave.wordpress.com/

  4. P Shah
    P Shah January 1, 2009

    આંસુના દરિયામાં યમુનાના નીર જાણે થંભી થંભી વહી જાય છે …. માધવ રેલાતો જાય છે

    ખૂબ સુંદર ગીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.