સીનો તંગ છે !

December 10th, 2011
પતંગ

જિંદગી, તારો અજાયબ રંગ છે,
શ્વાસ ફીક્કા તોય સીનો તંગ છે !

એ નથી સાથે તો એથી શું થયું,
એમની યાદો તો તારી સંગ છે !

એમણે ચહેરો બતાવ્યો’તો કદી,
આયનો આજેય એથી દંગ છે.

એમને અડસઠ ભલે પૂરા થયા,
એ હજી તસવીરમાં તો યંગ છે.

જે ગળે આવે ઉલટથી ગાઈ જા,
પ્રેમભીનાં ગીત સહુ અભંગ છે.

મોત અણધાર્યો વિસામો છે અહીં,
જિંદગીની જાતરા સળંગ છે.

શું કહે ‘ચાતક’ પ્રતિક્ષાની વિશે,
ના કદી જીતાય એવો જંગ છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

અકબંધ રાખી જોઈએ

December 5th, 2011
daxesh

શક્યતાનાં બારણાંઓ બંધ રાખી જોઈએ,
રિક્તતા એવી રીતે અકબંધ રાખી જોઈએ.

જાત ઝાકળની લઈને સૂર્યના ઘરમાં જવા,
ઓગળે ઝળહળ ન એ પ્રબંધ રાખી જોઈએ.

સ્વપ્ન પીડાયે નિરંતર વિસ્મૃતિના રોગથી,
આંખ મીંચી બે’ક પળ સંબંધ રાખી જોઈએ.

જિંદગી, સંવેદનાનું વસ્ત્ર સરકી જાય ના,
અશ્રુઓનો એટલે કટિબંધ રાખી જોઈએ.

માછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે
અક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ.

ક્યાં સુધી ‘ચાતક’ જીવીશું આમ પ્રત્યાઘાતમાં,
લાગણીઓ પર જરા પ્રતિબંધ રાખી જોઈએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

માધવ મળે નહીં

November 30th, 2011

આંખોમાં ઈંતજારના કાગળ મળે નહીં,
રાધા થયા વિના અહીં માધવ મળે નહીં.

સીતાની શોધમાં ભલે ભટક્યા કરે જગત,
નિષ્ફળ રહે તલાશ જ્યાં રાઘવ મળે નહીં.

એ દ્વારિકા-અધીશ પણ કંગાળ કેટલો,
ગોપીજનોના પ્રેમનો પાલવ મળે નહીં.

હૈયાની વેદના લખે રાધા કઈ રીતે,
પ્હોંચી શકે ભવન સુધી વાદળ મળે નહીં.

કા’નાના નામથી સતત ભીંજાય આંખડી,
રોકી શકે વિષાદને સાંકળ મળે નહીં.

‘ચાતક’ કહી શકત કદી ઉત્તરમાં એમને
જોયા, પરંતુ નામમાં યાદવ મળે નહીં.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

તને જોયા પછી…

November 25th, 2011
03.jpg

તું બની જાશે કળી, તો ફૂલ મુરખ ચૂંટશે,
સર્વ જગ માળી બની તારી મધુરતા લૂંટશે.

ક્યાંક મૃગજળને હરણ થઈ દોડવા ઈચ્છા થશે,
ક્યાંક તારી પ્યાસથી આખોય સહરા ખૂટશે.

ને અમાસી રાત બનશે કો નવોઢા ચાંદ સમ,
તારલા એકાદ-બે આંસુ રૂપાળા ઘૂંટશે.

સ્વપ્નનો વિસ્તાર આંખોથી વધી આગળ જશે,
આભમાં ઊંચા મિનારા પત્થરોના તૂટશે.

એક જીવતરને સમાવી શ્વાસમાં બેઠા પછી,
એક ઈચ્છાનો સમંદર ક્યાંક ‘ચાતક’ ફૂટશે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

સાક્ષરો મળતા નથી

November 15th, 2011

જ્ઞાનની કોઈ કિતાબોમાં હવે મળતા નથી,
શબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી?

પ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,
કેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી?

‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,
દૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી?

આંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,
રૂબરૂમાં એ જ  દિલની વાત સાંભળતા નથી !

વ્યર્થ ‘ચાતક’ લાગણીના ગામમાં સૂરજ થવું,
બર્ફના પ્હાડો હવે ઉષ્માથકી ગળતા નથી.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’