Press "Enter" to skip to content

Month: October 2020

સમયની સહી


[A Painting by Donald Zolan]
*
ઘટે છે કૈંક ઘટનાઓ તમે જે ચહી નથી હોતી,
અમસ્તી આંખમાં અશ્રુની ખાતાવહી નથી હોતી.

હું તમને પ્રેમ કરવાનો પુરાવો લઈને આવ્યો છું,
મને સમજાય છે વાતો તમે જે કહી નથી હોતી.

ઘણા વરસો પછી જોયા તો મનમાં પ્રશ્ન ઉદભવ્યો,
અમુક ચહેરા ઉપર શાને સમયની સહી નથી હોતી?

અને એ યાદ આવ્યું તો ચકાસ્યા મેંય હોઠોને,
સુખદ સ્પર્શોની કોઈપણ નિશાની રહી નથી હોતી.

હું હમણાં પ્રેમ કરવા પર પ્રવચન દઈને આવ્યો છું,
ઘણાં છે દર્દ જેમાં દોસ્ત, આંખો વહી નથી હોતી.

ગઝલ આવે જ છે મળવા સમય પર, પૂછ ‘ચાતક’ને,
સમયસર આપણે કેવળ કલમને ગ્રહી નથી હોતી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments