[Painting by Donald Zolan]
અલવિદા ૨૦૨૦. સ્વાગત ૨૦૨૧.
સૌ મિત્રોને ઈસુના નવા વર્ષની શુભકામનાઓ.
*
બહુ ખુબસુરત ભરમ આપિયા છે,
મને જિંદગીએ જખમ આપિયા છે.
પ્રથમ દર્દ દીધું દવા આપનારે,
પછી એને માટે મલમ આપિયા છે.
મળી ભાગ્યરેખાને નામે તિરાડો,
સહારા ય કેવાં નરમ આપિયા છે !
દિશાઓ, ન મંઝિલ; ઉતારા, ન સાથી,
ફકત ચાલવાને કદમ આપિયા છે.
હશે કેવી જાહોજલાલી પ્રણયમાં !
કે પીવાને અશ્રુ ગરમ આપિયા છે.
દીધી બે જ આંખો અને લાખ સપનાં,
ને ઊપરથી ટૂંકા જનમ આપિયા છે.
લખ્યું નામ મક્તામાં ‘ચાતક’ અમસ્તુ,
હકીકતમાં કાગળ, કલમ આપિયા છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
નોંધ – રદિફમાં આપ્યા-આપિયા (ગાલગા) લીધેલું છે.
વિનંતી છે કે તમે કોવિદ-૧૯ ની અસર અને ત્યારબાદ પર એક નાનકડી કવિતા બનાવો.
સરસ ગઝલ કંઈક આપે પંણ અધૂરપ પણ દેખા દે માનવી હતાશ થાય પણ સંતોષનામ અમૃતમ્….
સરસ ગઝલ… તકતી ન સમજાઈ… ઉલા સાનીમાં અલગ છે..??
અશોકભાઈ,
કુશળ હશો.
તક્તી તો લગાગા ના ચાર આવર્તન જ છે. તમને અવઢવ થવાનું કારણ રદિફમાં -આપિયા- લખવાને બદલે -આપ્યા- લખ્યું છે તે હશે. પઠન કરવામાં કે ગાવામાં આપિયા (ગાલગા) લેતાં તક્તી બરાબર લાગશે. સામાન્ય રીતે લખવામાં આપિયા નથી લખાતું પણ આપ્યા લખાય છે એથી મેં એ રીતે મૂક્યું છે.
પ્રતિભાવ બદલ આભાર.
નવા વર્ષના હાર્દિક અભિનંદન.
મસ્ત કાવ્ય.
Thank you for liking.
Happy 2021.
🙂