Press "Enter" to skip to content

Month: July 2021

ખુમારી રાખવી પડશે


[Painting by Donald Zolan]
મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમને જન્મદિનની શુભેચ્છાઓ.
*
મુસીબત હો ભલે ભારી, ખુમારી રાખવી પડશે,
તમારે ભીંતની વચ્ચે જ બારી રાખવી પડશે.

સુખોનું ચાંદ જેવું છે, ફકત દેખાય મરજીથી,
ઝલક માટે દુઃખો ઉપર પથારી રાખવી પડશે.

જીવનની ડાયરીના પાને પાને હોય છે ભૂલો,
સફળતાની શરત, એને સુધારી રાખવી પડશે.

અમોલી ઉંઘ વેચી, તોય આવ્યા હાથ ના સપનાં?
પ્રણય છે, દોસ્ત થોડી તો ઉધારી રાખવી પડશે.

તમે બહુ સ્વસ્થ છો એથી ખુશી મળતી નથી તમને,
તમારે પ્રેમ જેવી કો બિમારી રાખવી પડશે.

વગર પૂછ્યે એ આવી જાય છે બિન્ધાસ્ત આંખોમાં,
મને લાગે છે આંસુની સુપારી રાખવી પડશે.

જિજીવિષાના પગ લંબાય છે ‘ચાતક’ સમય સાથે,
કહી દો શ્વાસને, ચાદર વધારી રાખવી પડશે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

4 Comments