[Painting by Donald Zolan]
*
દોસ્ત વફાને લાયક ક્યાં છે? દુશ્મન પણ નાલાયક ક્યાં છે?
દુઃખ જોઈને દોડી આવે આંસુ જેવા ધાવક ક્યાં છે?
જીવન છે ફિલ્લમ દુઃખોની, પીડાઓ ખલનાયક ક્યાં છે?
આંખોની બદનામ ગલીમાં આંસુઓના સ્મારક ક્યાં છે?
અડતાવેંત જ ઓગાળી દે, સ્પર્શ એટલા દાહક ક્યાં છે?
આંખ હશે સારી વક્તા, પણ પાંપણ જેવા ભાવક ક્યાં છે?
પરપોટાંને તરતાં રાખે, પાણી એવા પાવક ક્યાં છે?
દોસ્ત હવે આંબાની ડાળે, કોયલ જેવા ગાયક ક્યાં છે?
નામ જોઈ કાગળ ચૂમી લે, હાથ લઈ આંગળ ચૂમી લે,
‘ચાતક’ની ગઝલોના લયલા-મજનૂ જેવા ચાહક ક્યાં છે?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
1 Comment