Press "Enter" to skip to content

Month: December 2020

જખમ આપ્યા છે


[Painting by Donald Zolan]
અલવિદા ૨૦૨૦. સ્વાગત ૨૦૨૧.
સૌ મિત્રોને ઈસુના નવા વર્ષની શુભકામનાઓ.
*
બહુ ખુબસુરત ભરમ આપ્યા છે,
મને જિંદગીએ જખમ આપ્યા છે.

પ્રથમ દર્દ દીધું દવા આપનારે,
પછી એને માટે મલમ આપ્યા છે.

મળી ભાગ્યરેખાને નામે તિરાડો,
સહારા ય કેવાં નરમ આપ્યા છે !

દિશાઓ, ન મંઝિલ; ઉતારા, ન સાથી,
ફકત ચાલવાને કદમ આપ્યા છે.

હશે કેવી જાહોજલાલી પ્રણયમાં !
કે પીવાને અશ્રુ ગરમ આપ્યા છે.

દીધી બે જ આંખો અને લાખ સપનાં,
ને ઊપરથી ટૂંકા જનમ આપ્યા છે.

લખ્યું નામ મક્તામાં ‘ચાતક’ અમસ્તુ,
હકીકતમાં કાગળ, કલમ આપ્યા છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
નોંધ – રદિફમાં આપ્યા-આપિયા (ગાલગા) લીધેલું છે.

5 Comments