Press "Enter" to skip to content

મીતિક્ષા.કોમ Posts

દૂધપીતી છે


[A painting by Donald Zolan]

અમારી આંખ અથ છે ને તમારી આંખ ઈતિ છે,
તમે પૂછો નહીં કે પ્રેમ એ કેવી ભૂમિતિ છે.

અમારાં સ્વપ્ન તમને જોઈ મોટા થઈ ગયાં કિન્તુ,
તમારી લાગણી શાને હજીયે દૂધપીતી છે ?

સમયની ચાલને બદલી શકો ના, એ સ્વીકારું છું,
સમય રોકાય છે ક્યારેક એની પણ પ્રતીતિ છે.

સૂરજના હાથ પર મહેંદી મૂકી જગને બતાવી દો,
થયાં છે લોહીનાં પાણી પછી આ રાત વીતી છે.

સજીવન થઈ જશે રંગો તો તસવીરોનું થાશે શું ?
ઘણા સંબંધની ફ્રેમે પનપતી એક ભીતિ છે.

હથેળીમાં લઈ ‘ચાતક’ કથાની ખાતરી કરજો,
અહીં પ્રત્યેક આંસુઓની નોખી આપવીતી છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

ઉડી શકાયું હોત તો

એક પારેવાથી જો ઉડી શકાયું હોત તો,
પત્રથી હૈયા સુધી પહોંચી શકાયું હોત તો.

માત્ર સરનામું કરીને આંખમાં રાખી મૂક્યું,
આંસુનું પરબીડિયું નાખી શકાયું હોત તો.

મહેકને રસ્તાની વચ્ચે આંતરીને બે ઘડી,
ફૂલનું સરનામું જો પૂછી શકાયું હોત તો.

જિંદગી જીવી જવાનું કૈંક તો બ્હાનું મળત,
સ્વપ્ન અભરાઈ ઉપર મૂકી શકાયું હોત તો.

આપણાં હોવાપણાંની વારતાનું શું થતે ?
એક પરપોટાથી જો ડૂબી શકાયું હોત તો.

જાત બાળી એનો ‘ચાતક’ વસવસો રહેતે નહીં,
થોડું અજવાળું ઘરે લાવી શકાયું હોત તો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

અંગ્રેજ થોડા હોય છે ?

વસવસા આ જિંદગીના સ્હેજ થોડા હોય છે ?
વેદનાના દોસ્ત, દસ્તાવેજ થોડા હોય છે ?

લાગણી માઝા મૂકે ત્યારે જ નીકળે આંસુઓ,
આંખના ખૂણે હમેશા ભેજ થોડા હોય છે ?

પ્રેમ તો પહેલી નજરમાં પાંગરેલી વારતા,
પ્રેમની પ્રસ્તાવનાના પેજ થોડા હોય છે ?

પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ?

હર્ષથી કોઈ લગાવે ગાલ પર ચપટી ગુલાલ,
રંગ કરનારા બધા રંગરેજ થોડા હોય છે ?

સોરી કહેવાથીય માફી ના મળે એવું બને,
માફ કરનારા બધા અંગ્રેજ થોડા હોય છે ?

પ્રેમમાં ‘ચાતક’ બીડેલા હોઠ કહી દે છે ઘણું,
હર ખુલાસા સનસનાટીખેજ થોડા હોય છે ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

23 Comments

તને ચૂમવાની રજા નથી


[Painting by Donald Zolan]

*
તું નજરની સામે રહે છતાં તને ચૂમવાની રજા નથી,
હું પતંગ પાગલ પ્રેમમાં, ને તું બૂઝનારી શમા નથી.

હું કદમ બઢાવીને શું કરું, ઘણા માર્ગ ઊભા વિચારમાં,
છે ઘણીય એવીય મંઝિલો, જ્યાં પ્હોંચવાની મજા નથી.

તું કહે તો ફુલ ગુલાબ શું, લઈ આવું આખું ચમન ઘરે,
હું સુંગધ લાવું કઈ રીતે, ઘર આપણે જ્યાં હવા નથી.

તું ચહે અગર તો ચણી શકે ઘર ખ્વાબનું મુજ આંખમાં,
તું હૃદયની વાત કરીશ ના, ઘર બાંધવા ત્યાં જગા નથી.

જે થવાનું છે એ થશે થશે, જે નથી થવાનું, થશે નહીં,
આ પ્રણયનું દર્દ છે રહગુજર ને કશે જ એની દવા નથી.

તું લખે તો ‘ચાતક’ એમ લખ, કરે આરતી કોઈ મંદિરે,
આ ગઝલ ઈબાદત ઈશ્કની, અને ઈશ્ક એ કૈં ખતા નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

ફરારી કાર છે

કૈંક ખીંટીઓ ભલે તૈયાર છે,
ભીંત પર લટકી જવાની વાર છે.

ચાર દિવસ પ્રેમના પૂરા થયા,
ચાર એની યાદના ઉધાર છે.

શ્વાસ મેળવવા પડે છે પ્રેમમાં,
કુંડળીઓ મેળવો, બેકાર છે.

હર્ષમાં કે શોકમાં સરખા રહે,
આંસુઓ બહુ ફાંકડા ફનકાર છે.

માત્ર શંકાથી જ એ તૂટી ગયા,
કેટલાં નાજુક પ્રણયનાં તાર છે.

મન વિશે થોડું વિચાર્યું, તો થયું,
આ વિચારો કે ફરારી કાર છે ?

મોત, ‘ચાતક’ આવશે પૂછ્યા વગર,
દોસ્તનો એ આગવો અધિકાર છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

હજી સિતારા ખરી રહ્યાં છે

હજી સમય છે તમારી પાસે, હજી સિતારા ખરી રહ્યાં છે,
જુઓ કે મળવાને માટે કેવા નવા જ રસ્તા ખુલી રહ્યાં છે.

તમે ગયા એ કઠોર દિનથી બનાવ એવા બની રહ્યાં છે,
હજાર કાંટા ભલે ચમનમાં, ગુલાબ અમને ગમી રહ્યાં છે.

નદી-તળાવો ગયાં સૂકાઈ, નથી રહ્યાં આંખમાંય પાણી,
હવે તો જળની મઝાર ઉપર યુવાન તડકા રમી રહ્યાં છે.

દુઃખી થશો ના એ વાતથી કે તમે થઈ ના શક્યા અમારા,
અમે તમારું સ્મરણ કરીને તમારા જેવાં થઈ રહ્યાં છે.

હજીય પાછાં ફરી શકો છો, હજીય પગલાં નથી ભૂંસાયાં,
હજી વમળ છે, હજી કમળ છે, હજીય ભમરા ગૂંજી રહ્યા છે.

લખ્યું હશે તો ફરી મળીશું, ફરી રેતના મહલ ચણીશું,
ઘણાંય સપનાં ઉદાસ મનની મરુભૂમિમાં જીવી રહ્યાં છે.

નથી તમન્ના, નથી ઈબાદત, નથી ફરિશ્તાઓ જેવી ચાહત,
છતાં તમારી કરી પ્રતીક્ષા, અમેય ‘ચાતક’ બની રહ્યાં છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments