Press "Enter" to skip to content

Month: May 2023

મિટરગેજ ચાલે છે


[મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને મેઘધનુષ (બોસ્ટન, USA) ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૦ માર્ચ, ૨૦૨૨ ના રોજ યોજાયેલ કવિ સંમેલન અંતર્ગત કવિ શ્રી દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’નું પઠન]
*
ગમે ત્યાં જાઉં ને જોઉં તો બધ્ધે એજ ચાલે છે,
તમારા નામના સિક્કા પ્રભુ બધ્ધે જ ચાલે છે.

અભિનય શ્રેષ્ઠ કરવાના પ્રયત્નો હોય છે કાયમ,
અહીં પડદો પડે એના પછી પણ સ્ટેજ ચાલે છે.

છે નેરોગેજના ડબ્બા સમી સંવેદના મારી,
ને તારા શહેરમાં વરસોથી મિટરગેજ ચાલે છે.

મીંચીને યાદ કરવામાં ને મળવામાં ફરક તો છે,
આ મારા શ્વાસ કૈં અમથા હવાથી તેજ ચાલે છે?

તમે છો કોઈ નવલિકાની સુંદર નાયિકા જેવાં,
હું અટક્યો એજ કારણથી, તમારું પેજ ચાલે છે.

હું જેનાથી સખત પલળ્યો હતો એનાથી દાઝ્યો છું,
હજી એની અસર છે, આંખમાંથી ભેજ ચાલે છે .

તને સરકારી દફતરનો અનુભવ કામ નહીં આવે,
તું છે ગાંધીનગરનો ને અહીં સરખેજ ચાલે છે.

તમે સમજી જજો કેવી હશે ‘ચાતક’ની મજબૂરી,
ઉઘાડી આંખ છે ને સ્વપ્નનો પરહેજ ચાલે છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

2 Comments