Press "Enter" to skip to content

Month: March 2010

સમય વીતી ચુકેલો છું


પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
જનરેશન ગેપને કારણે વૃદ્ધો અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કે અનાદર કરનાર યુવા પેઢીને વિચારવા મજબૂર કરે એવી સુંદર ગઝલ માણીએ મનહર ઉધાસના સ્વરમાં.
(આલ્બમ-અસ્મિતા)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું એવી ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

8 Comments

ચાલી ગયા માસી


બરાબર આજથી બે વરસ પૂર્વે અકસ્માતમાં વિદાય થનાર માસી (જ્યોતિબેન) ને અંજલિ આપતી મારી આ રચના.

સ્મિત હોઠો પર લઈ ચાલી ગયા માસી,
આશિષ અંતરથી દઈ ચાલી ગયા માસી.

એવી હતી અમ ધારણા સંગાથ કાયમનો,
મિથ્યા કરી, પળવારમાં ચાલી ગયા માસી.

નિસ્વાર્થ સેવા, ન્યાય, નીતિ, પ્રેમ, ખુદ્દારી,
દઈ સદગુણોનો વારસો ચાલી ગયા માસી.

કૈં દીન, દુઃખી આર્તના અંધાર જીવનપથ,
જ્યોતિ બની અજવાળતા ચાલી ગયા માસી.

મહેંકી ઉઠે છે ફુલથી કૈં ઘર ગલી ઉપવન
મ્હેંકાવતા મન-ઉપવનો ચાલી ગયા માસી.

કાયમ રહેશે સંસ્મરણ, સ્મૃતિઓ અંતરમાં
ઝાકળ થઈ છો પુષ્પથી ચાલી ગયા માસી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

મળવાની વાતો માંડ

તું માણસ છે તો માણસ થઈ રહેવાની વાતો માંડ
જડ પથ્થરમાંથી ઝરણું થઈ વહેવાની વાતો માંડ

છે ક્ષણજીવી આ સંબંધો, માણી લે એકેકી પળને
તું કો’ક ફુલ પર ઝાકળ થઈ મળવાની વાતો માંડ.

તું વાંચે ઘેલી આંખોમાં અરમાન અધુરા મળવાના
તો દૂર ક્ષિતિજે તારો થઈ ખરવાની વાતો માંડ.

ને કાજળઘેરી રાતોમાં ધ્રુવતારક ક્યાંથી મળવાનો
તું સ્વયંપ્રકાશિત દીપક થઈ જલવાની વાતો માંડ.

અભિશાપ હશે કે સુંદરતા શાશ્વત મળે ના ક્યાંય જગે
તું ઉપવન ઉપવન ભમરો થઈ ભમવાની વાતો માંડ.

ને સ્પર્શે કોઈ લાચારી, ભય, વ્યથા, વેદના માણસની
તો લઈ કલમ ને શાહી થઈ ઝરવાની વાતો માંડ.

છો રાહ કઠિન, મુશ્કેલ ડગર, ને લાખ નિરાશા જીવનમાં,
તું રોજ સવારે ‘ચાતક’ થઈ જીવવાની વાતો માંડ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

(નોંધ – આ પોસ્ટ પ્રસિદ્ધ થશે ત્યારે ભારતમાં હોઈશ. વ્યસ્તતાને કારણે હવે પછીની પોસ્ટ કદાચ અનિયમિત રીતે પ્રસિદ્ધ થાય તો ક્ષમા કરશો.)

12 Comments

યા હોમ કરીને પડો


હિંમત કરવાનો પ્રસંગ આવે એટલે દરેક ગુજરાતીના મોં પર એક જ પંક્તિ આવે .. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આજકાલ ગુજરાતમાં પરીક્ષાની મોસમ છે. SSC અને HSC બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આશા અને નિરાશા વચ્ચે ઝૂલા ઝૂલતાં દેશના ભાવિ યુવાનોની મનોસ્થિતિનો વિચાર આવે છે. નબળું રિઝલ્ટ આવતાં આપઘાત કરવા તૈયાર થનારા સંવેદનશીલ યુવામાનસને જે ટટ્ટારી અને ખુમારીની જરૂર છે એ આ ગીતમાંથી મળી રહેશે. કવિ નર્મદની આ બહુપ્રસિદ્ધ રચનાનું હૃદય મેહુલભાઈએ ખુબ સુંદર રીતે સંગીતમાં ઝીલ્યું છે. નિરાશ હો, હતાશ હો એવી પળોમાં આ ગીત સાંભળજો. જો ટટ્ટારી, ખુમારી અને જોમ-જુસ્સો ના ઉભરાય તો કહેજો.
[આલ્બમ – નર્મદધારા, સ્વરાંકન – મેહુલ સુરતી]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

યા હોમ કરીને પડો ફતેહ છે આગે,
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામા,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

4 Comments

જિંદગાની લખી છે


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આશા છે આપને પસંદ પડશે.

અમસ્તી લખી છે, અધૂરી લખી છે,
કલમથી અમે જિંદગાની લખી છે.

છે ઘેલું જગત, ને જુદાં એમાં હોવું
ગુનો છે, ગુનાની કહાની લખી છે.

પતંગાની પાંખો ને પ્રિતમની આંખો
નિખરતી ફુલોની જવાની લખી છે.

દિલાસાના દ્હાડા, મહોબ્બતની રાતો,
ઘડીઓ અમે ચંદ ફાની લખી છે.

તડપ, બેકરારી, ઝૂરાપો, ખુમારી,
ઘણી લાગણી બેજુબાની લખી છે.

તમારી આ આંખોમાં અશ્રુઓ શાને,
અમે તો અમારી કહાની લખી છે !

ભલે નામ આવે નહીં ક્યાંય ‘ચાતક’,
ગઝલ તો તમે પણ મઝાની લખી છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Comments