તું માણસ છે તો માણસ થઈ રહેવાની વાતો માંડ
જડ પથ્થરમાંથી ઝરણું થઈ વહેવાની વાતો માંડ
છે ક્ષણજીવી આ સંબંધો, માણી લે એકેકી પળને
તું કો’ક ફુલ પર ઝાકળ થઈ મળવાની વાતો માંડ.
તું વાંચે ઘેલી આંખોમાં અરમાન અધુરા મળવાના
તો દૂર ક્ષિતિજે તારો થઈ ખરવાની વાતો માંડ.
ને કાજળઘેરી રાતોમાં ધ્રુવતારક ક્યાંથી મળવાનો
તું સ્વયંપ્રકાશિત દીપક થઈ જલવાની વાતો માંડ.
અભિશાપ હશે કે સુંદરતા શાશ્વત મળે ના ક્યાંય જગે
તું ઉપવન ઉપવન ભમરો થઈ ભમવાની વાતો માંડ.
ને સ્પર્શે કોઈ લાચારી, ભય, વ્યથા, વેદના માણસની
તો લઈ કલમ ને શાહી થઈ ઝરવાની વાતો માંડ.
છો રાહ કઠિન, મુશ્કેલ ડગર, ને લાખ નિરાશા જીવનમાં,
તું રોજ સવારે ‘ચાતક’ થઈ જીવવાની વાતો માંડ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(નોંધ – આ પોસ્ટ પ્રસિદ્ધ થશે ત્યારે ભારતમાં હોઈશ. વ્યસ્તતાને કારણે હવે પછીની પોસ્ટ કદાચ અનિયમિત રીતે પ્રસિદ્ધ થાય તો ક્ષમા કરશો.)
“છો રાહ કઠિન, મુશ્કેલ ડગર ને લાખ નિરાશા જીવનમાં,
તું રોજ સવારે ચાતક થઈ જીવવાની વાતો માંડ.”
આ પંક્તિ જીવનમાં આશાનો એક દીપ પ્રગટાવી જતી હોઇ એવું લાગે. હૃદયને ગમે એવી વાત છે. હુ આપને મારી પ્રસન્નતા વ્યક્ત કરું.
ભારતયાત્રાની શુભેચ્છા.
હૃદયમાં ઉતરી ગઇ તમારી કવિતા.
અફલાતૂન ……
ઝરણું, ઝાકળ, તારો, દીપક, ભમરો, શાહી !!! વાહ્ ! અને અંતે તો ચાતકે “ચાતક” ની જ વાત માંડવાનું પસંદ કર્યુ!!
સરસ ગઝલ………….વાંચી માંરુ મન મોર બની થનગાટ કરે છે!
વેદનાની કથા લાંબી ……ખુટે શાહી તો દરિયો ભરી કલમમાં ….વાર્તા પાછી માંડ…..
સરસ રચના.
તું સ્વયંપ્રકાશિત દીપક થઈ જલવાની વાતો માંડ…
સુંદર અભિગમ સુંદર રીતે વ્યક્ત થયો છે.
અભિનંદન !
પ્રેરક અને હકારાત્મક વિચારોને સરસ રીતે સાંકળ્યા છે. સુંદર રચના.
દરેક વિચાર બહુ સરસ રીતે લખાયો છે. આનંદની વાત.
સરયૂ
http://www.saryu.wordpress.com
ને સ્પર્શે કોઈ લાચારી, ભય, વ્યથા-વેદના માણસની,
તો લઈ કલમ ને શાહી થઈ ઝરવાની વાતો માંડ.
તમારૂ સજેશન ગમ્યું. એટલે તો લખવાનુ શરૂ કર્યુ..ખૂબ સરસ હકારાત્મક ગઝલ!!
– સપના