હિંમત કરવાનો પ્રસંગ આવે એટલે દરેક ગુજરાતીના મોં પર એક જ પંક્તિ આવે .. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આજકાલ ગુજરાતમાં પરીક્ષાની મોસમ છે. SSC અને HSC બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આશા અને નિરાશા વચ્ચે ઝૂલા ઝૂલતાં દેશના ભાવિ યુવાનોની મનોસ્થિતિનો વિચાર આવે છે. નબળું રિઝલ્ટ આવતાં આપઘાત કરવા તૈયાર થનારા સંવેદનશીલ યુવામાનસને જે ટટ્ટારી અને ખુમારીની જરૂર છે એ આ ગીતમાંથી મળી રહેશે. કવિ નર્મદની આ બહુપ્રસિદ્ધ રચનાનું હૃદય મેહુલભાઈએ ખુબ સુંદર રીતે સંગીતમાં ઝીલ્યું છે. નિરાશ હો, હતાશ હો એવી પળોમાં આ ગીત સાંભળજો. જો ટટ્ટારી, ખુમારી અને જોમ-જુસ્સો ના ઉભરાય તો કહેજો.
*
આલ્બમ- નર્મદધારા, સ્વરાંકન- મેહુલ સુરતી
*
યા હોમ કરીને પડો ફતેહ છે આગે,
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામા,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..