Press "Enter" to skip to content

Month: September 2008

ચોકલેટ

પ્રેમની અભિવ્યક્તિ માટે પુષ્પ મોહક જોઈએ
કે પછી અદભુત અનોખો પ્રેમપત્ર જોઈએ
ચાલતું આવ્યું ભલેને આ બધું સદીઓ થકી
આજ છે વહેવાર, માટે એક ચોકલેટ જોઈએ.
*
લેટ હો તો મેટ (mate) ને પળમાં મનાવે ચોકલેટ
મુખમાં મૂકો ને હૃદયને ભાવી જાયે ચોકલેટ
છો ઉછીની વસ્તુમાં કૈં સ્વાદ ના લાગે કદી
પણ બધા સિધ્ધાંતને પીગળાવી જાયે ચોકલેટ.
*
બોર શબરીના બની રામે ગ્રહી તે ચોકલેટ
ને વિદુરને ઘેર જે ભાજી બની એ ચોકલેટ
લોક એને છો કહે તાંબુલ સુદામા મિત્રના
પણ શ્રી કૃષ્ણે પ્રેમથી હૃદયે ધરી એ ચોકલેટ
*
જિંદગીભરની મધુરી સ્મૃતિઓ એ ચોકલેટ
ને સતત અધુરી જ લાગી એ ગઝલ તે ચોકલેટ
આમ તો એવું જરૂરી કૈં નથી આ પ્રેમમાં
પણ અભિવ્યક્તિ થઈ તો સહજ આવી ચોકલેટ

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

7 Comments

શાંત ઝરુખે

આજે 100 મી પોસ્ટ. આટલા ટૂંકા સમયમાં ઘણાં બધાં સાહિત્યરસિકોને મળાયું, કંઈક પમાયું, કંઈક વહેંચી શકાયું એનો આનંદ છે. આપે જે ઉમળકા અને પ્યારથી અત્યાર સુધી મૂકેલી દરેક કૃતિને વધાવી છે એમ આગામી દિવસોમાં પણ વધાવતા રહેશો અને હજુ વધુ સારી પસંદગી મૂકી શકીએ, વધુ સારી રીતે રજૂ કરી શકીએ એ માટે સૂચનો કરતા રહેજો.
આજે સૈફ પાલનપુરીની એક નઝમ જે સીમાચિન્હ સમી બની, સૌના દિલોદિમાગ પર છવાઈ ગઈ છે, સાંભળો મનહર ઉધાસના સૂરીલા કંઠે. ઝરુખામાં જોયેલી એક સ્વપ્નસુંદરીના શૃંગારરસથી ભરેલ કમનીય વર્ણનથી પ્રારંભ પામતી નઝમ અંતે ખાલી ઝરુખાને જોઈ કરુણરસથી છલકાઈ જાય છે. જીવનના સોનેરી દિવસો ઝરુખા પરની સ્વપ્નસુંદરીનું રૂપક ઓઢીને તો અહીં વ્યક્ત નથી થયાં ને ?
*

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મે એક શહેજાદી જોઇ હતી …

એના હાથની મહેંદી હસતી હતી, એની આંખનુ કાજળ હસતું’તું
એક નાનું અમથું ઉપવન જાણે મોસમ જોઈ વિકસતુ હતું

એના સ્મિતમાં સૌ સૌ ગીત હતા એને ચુપકીદી સંગીત હતી
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી

એણે યાદના અસોપાલવથી એક સ્વપ્નમહેલ શણગાર્યો તો
જરા નજર ને નીચી રાખીને એણે સમય ને રોકી રાખ્યો તો

એ મોજાં જેમ ઉછળતી હતી, ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો બહુ પ્યાર ભર્યું શરમાતી હતી

એને યૌવનની આશિષ હતી, એને સર્વ બલાઓ દુર હતી
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી

વર્ષો બાદ ફરીથી આજે એ જ ઝરુખો જોયો છે …..

ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રીત નથી
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઊર્મિઓના ખેલ નથી

બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે
એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન

મે તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ, નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું

તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે ….
બહુ સુનું સુનું લાગે છે ….

– સૈફ પાલનપુરી

7 Comments

શું વળે ?


નિરાશા અને આશા વચ્ચે માણસ ઝોલાં ખાતો રહે છે. જ્યારે મનમાં ઉત્સાહ અને ઉમંગ હોય ત્યારે બધું સારું લાગે છે, મહેનત ફળતી લાગે છે …પણ જ્યારે પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે નિરાશાનો સૂર ઉઠે. નિરાશાના નાજુક સંવેદનને કવિએ અહીં ગૂથી લીધું છે. અંધકારે જીવવું છે આપણે, શ્વાસના દીપક જલાવ્યે શું વળે … નિરાશાની ચરમસીમા વ્યક્ત કરે છે.

શબ્દના દરિયા વહાવ્યે શું વળે ?
અર્થના જંગલ જણાવ્યે શું વળે ?

શક્ય છે પાણીય નીકળે રણમહીં
મહેલ રેતીના ચણાવ્યે શું વળે ?

આયખું ઝાકળ સમું છે જેમનું
એમને સૂરજ બતાવ્યે શું વળે ?

વાંઝણી છે ભાગ્યરેખા આપણી,
કુંડળીઓ જોવરાવ્યે શું વળે ?

અંધકારે જીવવું છે આપણે,
શ્વાસના દીપક જલાવ્યે શું વળે ?

– આર. જે. નિમાવત

1 Comment

આવ્યાં હવાની જેમ


શબ્દો જેમની પાસે અનાયાસ સરતાં રહે છે એવા મારા પ્રિય કવિ રાજેન્દ્ર શુકલની રચના જેને બંસરીબેનનો કંઠ મળ્યો છે, અહીં રજૂ કરું છું. દૃશ્ય જગત જ સર્વકાંઈ નથી. રેશમી હવાની જેમ કોઈની મધુર યાદો અદૃશ્ય રીતે આપણને એક અલગ ભાવસૃષ્ટિમાં તાણી જાય છે.  હું શું કરું કે કંઠ ખૂલતો નથી, ગીતો તો કેટલુંય કરગરી ગયા … તથા એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો, શબ્દો અજાણતાં તમે કોતરી ગયા .. એ અહેસાસને વાચા આપે છે.
*
સ્વર: બંસરી યોગેન્દ્ર, સંગીત: હરેશ બક્ષી

*
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં !’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુકલ

(ગીતની ફરમાઈશ કરનાર મિત્રો – રુષુ અને નિશાંત)

6 Comments

મારો અભાવ પણ

કૈલાસ પંડીતની સુંદર રચના. કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો ભાવમાં માનવ સ્વભાવની વાસ્તવિકતા કેટલી સાહજિકતાથી પ્રકટ થઈ છે. કવિને લાગણીઓથી વળગેલા રહીને ભૂતકાળમાં જીવવું નથી એથી કહે છે કે તારું સ્મરણ અને તેના પરિણામ સ્વરૂપ ઉભરતી વ્યથા એક હદ સુધી સારી છે, પણ મારે કાયમને માટે એ યાદોમાં અટકી નથી જવું, એ યાદ કરી કરીને આંસુ સારવા નથી. સાચું જ છે કે કોઈના વગર જિંદગી અટકતી નથી. વાસ્તવિકતાની ધરતી પર માણસે વહેલામોડાં પછડાવું જ પડે છે.

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.

કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ.

કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.

ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.

– કૈલાસ પંડીત

2 Comments

ચાલ્યા જ કરું છું


સ્વ. મૂકેશને કંઠે ગવાયેલ કેટલાક યાદગાર ગીતોમાંનું આ ગીત સાચે જ અર્થસભર છે. માનવ જન્મે ત્યારથી ચાલ્યા જ કરે છે. એને ખબર નથી હોતી કે એની મંઝિલ શું છે, એણે આ જન્મ પામીને શું મેળવવાનું છે, ક્યાં પહોંચવાનું છે. મારા ઘરમાં જ મુજને ક્યાં જવું એ ખબર નથી … મુંઝવણને સુંદર વાચા આપે છે. વળી જેણે બનાવ્યો એને બનાવ્યા કરું છું …પણ કેટલું ચોટદાર છે.
*
સ્વર – મુકેશ

*
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું … ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું … ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું

(આ ગીતની ફરમાઈશ કરનાર મિત્ર – નવનીત પરમાર)

8 Comments