તર્પણ કરો

શૂન્યમાંથી શબ્દનું સર્જન કરો,
લાગણીનું એ રીતે તર્પણ કરો.

આયનામાં જાત જોવી હોય તો,
બંધ આંખે આત્મનિમજ્જન કરો.

દાનવોના ગામમાં છોને વસો,
આદમી એકાદ-બે સજ્જન કરો.

પંડની પીડા બધીયે ટાળવા,
કોઈની પીડાતણું માર્જન કરો.

સહજીવન છે એક કપરી સાધના,
સિધ્ધ થાવા અહં વિસર્જન કરો.

કાગ, તેતર, બુલબુલોનો દેશ આ
ઉપવનો, શાને તમે નિર્જન કરો.

સ્વપ્ન છે સંજીવની ‘ચાતક’ અહીં,
જિંદગીભર એમનું પૂજન કરો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

COMMENTS (11)
Reply

“શબ્દના સર્જનથી, અહં વિસર્જન” સુધીની આ કેડીને ‘ચાતકે’ સુંદર રીતે સજાવી! વાહ્!

સરસ ગઝલ.

** સિધ્ધ થાવા અહં વિસર્જન કરો. **
ને બદલે
** સિદ્ધ થાવા ગર્વનું નિરસન/ખંડન કરો **
જેવું કંઈ થઈ શકે તો કેવુ?

છંદ કદાચ વધુ સારી રીતે સચવાશે એવું મને લાગે છે.

ખુબ સરસ ગઝલ…

આયનામાં જાત જોવી હોય તો,
બંધ આંખે આત્મનિમજ્જન કરો.

વાહ!!

આત્મ સંશોધનની આ નવી રીત ગમી. પોતાને ઓળખવાથી જ સ્વકની શોધ નોખી તરી આવે છેઃ-
આયનામાં જાત જોવી હોય તો,
બંધ આંખે આત્મનિમજ્જન કરો.
પણ કવિતા, ગઝલ કે અન્ય સર્જન માટે શબ્દમાં પેલા સ્વકનુ તર્પણ આવશ્યક છે. તેથી જઃ
શૂન્યમાંથી શબ્દનું સર્જન કરો,
લાગણીનું એ રીતે તર્પણ કરો.
સુંદર…

સુંદર રચના થઈ છે, દક્ષેશભાઈ.
આત્મનિમજ્જનની વાત વધુ ગમી.

Reply

આયનામાં જાત જોવી હોય તો,
બંધ આંખે આત્મનિમજ્જન કરો.

સુંદર વિભાવના…!!
પંચમભાઇનું સુચન વિચારવા જેવું છે, કફિયા અને છન્દ બન્ને સારી રીતે સચવાઇ જશે.

સરસ ગઝલ
સહજીવન છે એક કપરી સાધના,
સિધ્ધ થાવા અહં વિસર્જન કરો.

ખુબ સરસ

સહજીવન છે એક કપરી સાધના,
સિધ્ધ થાવા અહં વિસર્જન કરો.

કાગ, તેતર, બુલબુલોનો દેશ આ
ઉપવનો, શાને તમે નિર્જન કરો.

સરસ શેર સાથેની સુંદર રચના…..

પંચમભાઈ, અશોકભાઈ,
તમારી વાત સાચી છે. છંદ તૂટે છે પરંતુ પઠન કરતાં એટલું ન કઠ્યું એથી છંદમાં સભાન છૂટ લીધેલી. પંચમભાઈએ સુચવ્યા મુજબ
સિદ્ધ થાવા ગર્વનું ખંડન કરો – એમ કરી શકાય અથવા તો
સિદ્ધ થાવા જાત વિસર્જન કરો … જેવું થઈ શકે પણ હાલપૂરતો એ શેર યથાવત રાખું છું. સૂચન બદલ આભાર.

‘Positive attitude” લઈને કવિતા જન્મી છે, ખૂબજ સરસ. અભિનંદન!

Reply

સહજીવન છે એક કપરી સાધના,
સિધ્ધ થાવા અહં વિસર્જન કરો … વાહ ખરેખર અદભુત્

Leave a Comment

Comment (required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

Name (required)
Email (required)

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.