Press "Enter" to skip to content

Month: March 2011

અવ્યક્ત થઇને ચાલશું

ચોતરફ રણભેર વચ્ચે સ્વસ્થ થઇને ચાલશું,
પ્રેમની પાઈ મદિરા મસ્ત થઇને ચાલશું.

આંખથી ઝીલી લઈશું ઘાવ, તડકા-છાંયડી,
મખમલી પથરાવ વચ્ચે સખ્ત થઇને ચાલશું.

જિંદગીભર જેમને જોવા નજર તરસી ગઈ,
માર્ગમાં મળશે અગર, આસક્ત થઇને ચાલશું.

પ્રેમના એવા શિખર પર પ્હોંચશું કે એમના,
શ્વાસ, હૈયા ને રગેરગ રક્ત થઇને ચાલશું.

રાતદિ એની ઈબાદત, હરપળે એનું સ્મરણ
થઇ જશે એવી દશા તો ભક્ત થઇને ચાલશું.

આત્મજ્યોતિ પામવા ‘ચાતક’ કરી લે સાધના,
એ દિવસ આઘો નથી અવ્યક્ત થઇને ચાલશું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

રસ્તો

કાખઘોડીથી સરકતો હોય છે,
હાંફતો ચિક્કાર રસ્તો હોય છે.

ભીડનું ભેલાણ આઘું રાખવા,
પગરવોને એય કસતો હોય છે.

સાંજ પડતાં ટૂંટિયું વાળી પછી,
દર્દથી એ પણ કણસતો હોય છે.

શૂન્યતા એનેય ગભરાવે સતત,
હમસફરને એ તરસતો હોય છે.

આખરી મંઝિલ સુધી પહોંચાડવા,
એ પ્રયત્નો ખૂબ કરતો હોય છે.

મૂક સેવા, આશ બદલાની નહીં,
સ્થિરતા એનો શિરસ્તો હોય છે.

માર્ગભૂલ્યા માનવો માટે કદી,
એ પ્રગટ ગેબી ફરિશ્તો હોય છે.

ચામડી ‘ચાતક’ ભલે આસ્ફાલ્ટની,
લાગણીથી એ ધબકતો હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments

હૃદયમાં ઘૂંટવાનું હોય છે

કાચની કિસ્મત મહીં તો તૂટવાનું હોય છે,
કેમ નારીના નસીબે કૂટવાનું હોય છે ?

બાગમાં ખીલી જવાથી ભાગ્ય પલટાતું નથી,
ક્યાંક ફુલોના નસીબે ચૂંટવાનું હોય છે.

શ્વાસની હર વારતાનો સાર કેવળ એટલો,
જિંદગી પ્રત્યેક ક્ષણ બસ ખૂટવાનું હોય છે.

મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.

ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.

આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.

જેમણે ત્યાગી દીધું સર્વસ્વ એની ચાહમાં,
એમને ‘ચાતક’ હવે શું લૂંટવાનું હોય છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

દ્વાર ખોલી જાય છે

એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.

હોઠ પર આવી અને અટકી ગયેલી વાતને,
આંખમાં થીજી ગયેલા ભાવ બોલી જાય છે.

કોઈની ઉત્તેજના, આંસુ, વ્યથા, આઘાતને
ફેરિયો વાંચ્યા વિના સસ્મિત તોલી જાય છે !

ને હૃદયના કોઈ ખૂણામાં મુકેલી લાગણી
બર્ફની માફક સમય બિન્દાસ છોલી જાય છે.

ઝૂમવા માટે મદિરા જોઈએ એવું નથી,
પ્રેમમાં માણસ વિના પીધેય ડોલી જાય છે.

કોઈ તો સંબંધ ‘ચાતક’ એમની સાથે હશે,
એમના દર્દો મને શું કામ ફોલી જાય છે ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

તર્પણ કરો

શૂન્યમાંથી શબ્દનું સર્જન કરો,
લાગણીનું એ રીતે તર્પણ કરો.

આયનામાં જાત જોવી હોય તો,
બંધ આંખે આત્મનિમજ્જન કરો.

દાનવોના ગામમાં છોને વસો,
આદમી એકાદ-બે સજ્જન કરો.

પંડની પીડા બધીયે ટાળવા,
કોઈની પીડાતણું માર્જન કરો.

સહજીવન છે એક કપરી સાધના,
સિધ્ધ થાવા અહં વિસર્જન કરો.

કાગ, તેતર, બુલબુલોનો દેશ આ
ઉપવનો, શાને તમે નિર્જન કરો.

સ્વપ્ન છે સંજીવની ‘ચાતક’ અહીં,
જિંદગીભર એમનું પૂજન કરો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

ઊંઘમાંથી જાગવાનું હોય છે

એક-બે ઈચ્છા અધૂરી બાળવાનું હોય છે,
જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે.

દોસ્ત, આંખો હોય કે ના હોય, એથી શું થયું?
સ્વપ્ન મનની આંખથી નિહાળવાનું હોય છે.

બાળપણનું વ્હાલ, ચૂમીઓ બધી યૌવનતણી,
કેટલું દેવું અહીં ઊતારવાનું હોય છે !

સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.

ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.

પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

19 Comments