Press "Enter" to skip to content

ઊંઘમાંથી જાગવાનું હોય છે

એક-બે ઈચ્છા અધૂરી બાળવાનું હોય છે,
જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે.

દોસ્ત, આંખો હોય કે ના હોય, એથી શું થયું?
સ્વપ્ન મનની આંખથી નિહાળવાનું હોય છે.

બાળપણનું વ્હાલ, ચૂમીઓ બધી યૌવનતણી,
કેટલું દેવું અહીં ઊતારવાનું હોય છે !

સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.

ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.

પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

19 Comments

  1. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' March 11, 2011

    આ ગઝલ વધારે જામી..
    મક્તા અને આ શે’ર વધુ પસંદ પડ્યા…
    સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
    બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.
    ત્રીજા શે’રમાં વ્હાલ અને ચૂમીઓ ની વચ્ચે સાધારણ ખટકો અનુભવાય છે, વચ્ચે ‘ને’
    મુકીને બોલી જોજો… આમ લખવામાં શે’ર લંબાઇ જતો લાગશે પણ પ્રવાહિતા આવશે.

  2. Gaurang Thaker
    Gaurang Thaker March 10, 2011

    એક-બે ઈચ્છા અધૂરી બાળવાનું હોય છે,
    જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે.
    મત્લા સરસ …પણ ઈચ્છા અધૂરી બાળવાનું કે બાળવાની ? વ્યાકરણ જોવુ.

  3. Dilip
    Dilip March 9, 2011

    ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
    લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.
    સુંદર ગઝલ દક્ષેશભાઈ…

  4. P Shah
    P Shah March 8, 2011

    પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
    રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે……
    ખૂબ જ સુંદર વાત કહી, દક્ષેશભાઈ.
    ઉપર અન્ય કવિઓના અભિપ્રાય વાંચ્યા. મત્લાનો સાની મિસરા હું આ રીતે
    લખું છું- જિંદગીમાં અંત સુધી જીવવાનું હોય છે.
    અને
    બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે. અહીં ખાળવાની એમ ના આવે ?
    વિચારી જોશો.
    -પ્રવિણ શાહ

  5. Narendra Jagtap
    Narendra Jagtap March 7, 2011

    દક્ષેશભાઇ…..કોઇ પણ ગઝલ પર્‍ થોડી ચર્ચા થાય તે સ્વાભાવિક ગમે…મારી દ્રષ્ટીએ તો મહેશભાઇ અને કીર્તીકાંતભાઇ બંન્ને ના સુચન આવકાર્ય છે…છતા કવિશ્રીનો પોતાનો મત તો આખરી જ હોય…પરંતુ જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે. એના કરતા જિંદગીમા……..અંત સુધી ચાલવાનું હોય છે આ કેવુ રહે ? અંતે પસંદ આપની

  6. Dr P A Mevada
    Dr P A Mevada March 6, 2011

    “ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
    લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે. ”

    તમારી ઝિંદાદિલી ગમી ગઈ.

  7. સરસ ગઝલ..

    બાળપણનું વ્હાલ, ચૂમીઓ બધી યૌવનતણી,
    કેટલું દેવું અહીં ઊતારવાનું હોય છે !

    સુંદર શેર..

  8. દક્ષેશભાઈ,
    ગઝલ સરસરીતે અભિવ્યક્ત થઈ છે – અભિનંદન.
    શ્રી કીર્તિકાન્તજીનું સૂચન અને તમારા પ્રતિભાવના કેન્દ્રમાં તો જિંદગી જ છે,વાત બન્ને સાચી છે,અહીં મારૂં અંગતરીતે એવું માનવું છે કે,
    જિંદગી તો…..
    અને
    જિંદગીના….
    એ બન્ને કરતા,જિંદગીભર અંત સુધી ચાલવાનું હોય છે – કેમ રહેશે?-વિચારી જોવા જેવું ખરૂં !

  9. Daxesh Contractor
    Daxesh Contractor March 6, 2011

    કીર્તિકાન્તભાઈ,
    સૌપ્રથમ લખાયું ત્યારે તમે કરેલા સૂચન મુજબ જ લખેલું. પઠન કરતા એ યોગ્ય પણ લાગેલું. પરંતુ ભાવની રીતે વિચારતાં બંનેમાં ભેદ લાગ્યો અને પછી અત્યારે છે એ રાખ્યું. મારી વિચારધારા પ્રમાણે – જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે – એ રીતે લખવામાં – જિંદગી શું છે – પ્રશ્ન ઉઠે તેનો જવાબ મળે છે. જ્યારે જિંદગીના અંત સુધી ચાલવાનું હોય છે – એ એક હકીકતનું બયાન લાગ્યું – a statement.
    ગઝલના બંધારણ અને શેરના ભાવ પ્રમાણે બંને ચાલે … મેં મારી સર્જન વખતની ભાવસૃષ્ટિનો અંદાજ આપ્યો. આશા છે આ સ્પષ્ટતા પછી આપને એ પસંદ આવે. સૂચન બદલ આભાર.

  10. Manhar Mody
    Manhar Mody March 6, 2011

    ખુબ જ મઝા આવી દક્ષેશભાઈ આપની આ ગઝલ વાંચીને. ઊંડાણ સાથે લયનો મધુરો મેળાપ. બહોત ખૂબ.

    દોસ્ત, આંખો હોય કે ના હોય, એથી શું થયું?
    સ્વપ્ન મનની આંખથી નિહાળવાનું હોય છે.

    ક્યા બાત હૈ !!!

  11. Kirtikant Purohit
    Kirtikant Purohit March 6, 2011

    જિંદગી તો અંત સુધી ચાલવાનું હોય છે.
    જિંદગીના અંત સુધી ચાલવાનું હોય છે.તેવું ના જોઈએ ?
    આ સરસ રહ્યું .
    પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
    રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.

  12. Sudhir Patel
    Sudhir Patel March 6, 2011

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  13. Chetu
    Chetu March 6, 2011

    સુંદર …
    લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે. પરંતુ એ જ કાઢી શકાતું નથી …:)

  14. Pragnaju
    Pragnaju March 6, 2011

    સરસ ગઝલ.

    ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
    લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.

    પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
    રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.
    યાદ
    લાખ પ્રયત્નો કરું આ કવિતાને પૂર્ણ કરવાના,
    છતાં પણ એ હંમેશ અધુરી રહે,તો વાંક કોનો?

    લખી નાખું આ એક જ કવિતાના પુસ્તકો અનેક,
    પણ છેલ્લે કોઇ કલમ જ મને ના મળે,તો વાંક કોનો?

    સરસ!

  15. Himanshu Patel
    Himanshu Patel March 5, 2011

    જીવનની ગોપિત સંવેદનાનો પૉઝીટીવ વિસ્તાર અને સરળ નિરાકરણ સહજ્પણે વ્યક્ત થાય છે . આ વધારે ગમ્યુ–
    સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
    બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.
    અને આ–
    પગરવોના શહેરમાં ‘ચાતક’ સજા છે એટલી,
    રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે.

  16. Sapana
    Sapana March 5, 2011

    સ્મિત ચ્હેરા પર ટકાવી રાખવું મુશ્કેલ છે,
    બોલકી સંવેદનાને ખાળવાનું હોય છે.

    ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
    લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે.
    ખૂબ સરસ!

  17. Shailesh Patel
    Shailesh Patel March 5, 2011

    ખુબ સરસ !!! રોજ કાચી ઊંઘમાંથી જાગવાનું હોય છે !!!

  18. Rajiv
    Rajiv March 5, 2011

    ખુબ જ સુંદર…

    ને ગઝલ લખવા પ્રયત્નો આમ તો કરતો નથી,
    લાગણીનું ભૂત મનથી કાઢવાનું હોય છે

    વાહ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.