Press "Enter" to skip to content

ઉમર ખૈયામની રુબાઈઓ – 5


આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. જીવનની વિનાશશીલતા વિશે ઘણું લખાઈ ચૂક્યું છે. મોત આવવાનું જ હોય તો પછી એની બીક કેવી ? જે ઉદારતાથી ઈશ્વરે આપણને જિંદગી આપી એવી જ ખુમારીથી આપણે એને એ પાછી ન આપીએ ! કેટલી સરસ વાત ! વળી આપણે નાશવંત શરીર નથી પણ અમર આત્મા તત્વ છીએ, એ કેટલી સુંદર રીતે બુલંદીએ ઉડનાર બાજના રૂપકથી કહેવાયું છે. સંસારના વ્યવહારો વચ્ચે એ જાગૃતિ કાયમ રહે તો પછી શું કહેવું ! ઉમર ખૈયામની આગળ પ્રસિદ્ધ કરેલ રુબાઈઓ માટે અનુક્રમણિકા જોવાનું ભૂલતા નહીં.

બેસબબ દુનિયાના ગમમાં રાત દિન બળવું પડે !
આસ્માંની બેડીએ જકડાઇ ટળવળવું પડે !
મૂર્ખ ! કાયમની સવડ પણ તે ભલા એ જગમહીં ?
જ્યાં હજી આવ્યા ન આવ્યા ત્યાં જ નિકળવું પડે !
*
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દી માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
*
દેહ છે ખૈયામ તંબુ, છે ફના જેનો મુકામ,
પ્રાણ છે સમ્રાટ, જેનું લક્ષ્ય છે અમરત્વ ધામ;
કૂચનું ફરમાન છૂટે એટલી બસ વાર છે,
યમ-ફરાશો પળમહીં સંકેલશે લીલા તમામ.
*
જોત જોતામાં ઊડી ચાલ્યો બધો જોબનનો રંગ,
મનના મનમાં રહી ગયા અફસોસ ! વાસંતી ઉમંગ;
ક્યારે આવીને ગયું કૈં એ જ સમજાયું નહીં,
જિંદગીની કુંજમાં કલ્લોલતું યૌવન-વિહંગ.
*
નિત બુલંદીએ જ ઉડનારો અલૌકિક બાજ હું,
ઉતર્યો નીચે જરા સંસાર દર્શન કાજ હું;
પણ મળ્યો ના જાણભેદુ કોઇ મુજને એટલે,
જ્યાંથી આવ્યો ત્યાં જ પાછો જઇ રહ્યો છું આજ હું.

– ઉમર ખૈયામ (ભાવાનુવાદ: શૂન્ય પાલનપુરી)

One Comment

  1. darshan
    darshan February 10, 2009

    ઉમર ખૈયામ ની સુન્દર કાવ્યરચના પ્રસ્તુત કરવા બદલ આપનો આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.