શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ – અરમાન
*
ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
*
નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ કરશે
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે.
સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો મૃગજળની સામે નજર કોણ કરશે.
નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે.
પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે.
નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે.
– ‘શૂન્ય’ પાલનપુરી
10 Comments